ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં ચડ્ડી-બનિયાન ધારી ગેંગ ત્રાટકી
ગાંધીધામમાં ગત વર્ષોમાં તરખાટ મચાવનાર ચડ્ડી બનીયાન ધારી ગેંગ ફરી સક્રીય થઈ હોવાનું સામે આવતા ચકચાર પ્રસરી છે. ગુરુકુળ વિસ્તારમાં એક ઘરમાં ચોરી કરવાના પ્રયાસ કરવા ડોકીયુ કરતા તેમાંથી એક શખ્સ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. તો બાકીના બે થી ત્રણ લોકો અન્ય સીસીટીવીમાં કેદ થયા હતા. 29મી ઓગષ્ટના મોડી રાત્રે 7ડી, ગુરુકુળ વિસ્તારમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગ જોવા મળી હતી. સ્થાનિકે રહેતા જાગૃત નાગરિકે શંકાસ્પદ લોકો વિસ્તારમાં ફરતા હોવાનું સીસીટીવીમાં જોઇ લેતા સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ તાબડતોડ સ્થળ પર ધસી જતા આ શખ્સોએ વિસ્તાર મુકીને નાસી ગયા હતા. જ્યાં મોડી રાત સુધી લોકોએ પહેરો ભર્યો હતો. જ્યારે કે આજ દિવસે બગલના અન્ય વિસ્તાર સુંદરપુરીમાં ચોરીની ઘટના પણ બનવા પામી હતી, જે પાછળ સંભવત આજ ટોળકી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. દરમ્યાન આ ગેંગના શાતીર ઈરાદાઓ અન્ય એક ઘરમાં ડોકીયુ કરતા ચોરીનાજ હોવાનું સ્પષ્ટ થયું હતું. સંભવત ઘરમાં લોકો હોવાથી અને લાઈટ ચાલુ કરી દેતા તેમજ સ્થાનિકો એકત્ર થઈ જતા આ લોકો ત્યાંથી રફ્ફુચક્કર થઈ ગયા હતા.