ભુજમાં ભારાસરનાં મકાનમાંથી 9.88 લાખની ચોરી
બ્રિટિશ નાગરિકતા ધરાવતા દંપતીના મકાનમાંથી 9 લાખના દાગીના, 230 પાઉન્ડ અને રોકડની ચોરી થતા ફફડાટ
તાલુકાના ભારાસર ગામમાં સારવાર માટે હોસ્પિટલ ગયેલા વૃદ્ધ દંપતીના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો જેમાં દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશેલા શખ્સો સોનાના દાગીના,રોકડ અને પાઉન્ડ સહીત કુલ 9.88 લાખનો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયા હોવાની ઘટના સામે આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ ભારાસરમાં રહેતા અને બ્રિટીશ નાગરિકતા ધરાવતા ફરિયાદી વીરબાણાબેન કલ્યાણભાઈ હીરાણીએ માનકુવા પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ શનિવારે તેમના પતિને કમરમાં તકલીફ હોવાથી ભુજની હોસ્પીટલમાં ઓપરેશન કરાવી દાખલ થયા હતા. સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાના ઘરના મુખ્ય દરવાજાને લોક કરી ભુજ હોસ્પીટલમાં તેમના પતિ સાથે રાત્રે રોકાયા હતા.જે બાદ રવિવારે સવારે નવ વાગ્યાના સમયે ફરિયાદી પોતાના ઘરે પરત આવ્યા ત્યારે દરવાજાના હેન્ડલ પર ઘા માર્યા હોવાના નિશાન દેખાયા હતા અને લોક તૂટેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.
ફરિયાદીએ ઘરમાં જઈ તપાસ કરતા ત્રણ બેડરૂૂમમાં આવેલા કબાટ ખુલ્લા હતા અને સામાન વેર-વિખેર હાલતમાં પડ્યો હતો.ફરિયાદીએ પોતાના કબાટમાં તપાસ કરતા તેમાંથી રૂૂપિયા 9 લાખની કિંમતના સોનાના પાટલા, બંગડી, બ્રેસ્લેટ, માળા, ચેઈન, વીંટી, કાનની બુટ્ટી,પેન્ડલ,મોતીનો સેટ અને મંગળસુત્રની ઉઠાંતરી થયેલ હોવાનું સામે આવ્યું હતું.બનાવ બાબતે ફરિયાદીએ પોતાના પાડોશી અને પતિના મિત્રને જાણ કરતા તેઓ ફરિયાદીના ઘરે દોડી આવ્યા હતા.સમગ્ર મામલે માનકુવા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
બ્રિટિશ નાગરિકતા ધરાવતા દંપતિના ઘરના ત્રણ કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ સાથે પાઉન્ડ પણ ઉઠાવી ગયા.વૃદ્ધ દંપતીના બંધ ઘરમાં ત્રાટકેલા તસ્કરોએ ત્રણેય બેડરૂૂમ સહીત રસોડાનો કબાટ પણ ફંફોડયો હતો.રૂૂપિયા 9 લાખની કિંમતના સોનાના દાગીના સાથે કબાટમાં રાખેલ રોકડ રૂૂપિયા 65 હજાર અને 230 પાઉન્ડ તસ્કરોને હાથ લાગતા ઉઠાંતરી કરી ગયા હતા.