આદિપુરમાં કોલેજના પ્રિન્સિપાલને તમાચો મારવાના પ્રકરણમાં 7 વિદ્યાર્થીની ધરપકડ
આદિપુર સ્થિત તોલાણી આર્ટસ અને સાયન્સ કોલેજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કોલેજનાવિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર જાહેરમાં હુમલો કર્યો હતો. આ ઘટના સોમવારે બપોરે કોલેજના કમ્પાઉન્ડમાં બની હતી અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોલેજના પ્રિન્સિપાલે ગેરવર્તણૂક બદલ ઠપકો આપતાં વિદ્યાર્થીએ મનદુ:ખ રાખી પ્રિન્સિપાલ સાથે તકરાર કરી હતી. આ તકરાર એટલી હદે વધી ગઈ કે વિદ્યાર્થીએ આવેશમાં આવીને પ્રિન્સિપાલને જાહેરમાં તમાચો ઝીંકી દીધો હતો. આ ઘટનાથી કોલેજના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે રોષ ફેલાયો છે.
આ ઘટના બાદ કોલેજના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલી સ્વરૂૂપે આદિપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વિદ્યાર્થી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કોલેજના પ્રિન્સિપાલ પર થયેલા આ હુમલાને પગલે શિક્ષકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આદિપુરની તોલાણી કોલેજના પ્રિન્સિપાલ સુશીલ ધર્માણી ઉપર હુમલાકાંડ અંગે પોલીસે ફરિયાદ નોંધી રાપર ખોખરાના રાજવીરસિંહ મોહનસિંહ ચાવડા, ચિત્રકૂટ-બે અંજારના કૃપાલસિંહ પરાક્રમસિંહ વાઘેલા, નાની-મોટી ખેડોઇના મયૂરસિંહ વીરેન્દ્રસિંહ વાઘેલા, પાર્થરાજસિંહ શક્તિસિંહ સોઢા, જયરાજસિંહ મુન્ના ઝાલા, આર્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા, સત્યરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સોને ઝડપી પાડયા હતા. આ સાતેય આરોપીને પકડી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.