ભચાઉના ફતેરગઢમાં પલંગ પરથી પટકાયેલી 7 માસની બાળકીનું મોત
ભચાઉના ફતેરગઢ ગામે રહેતાં પરિવારની સાત મહિનાની માસુમ બાળકી રમતા રમતા અકસ્માતે પલંગ પરથી નીચે પટકાઈ હતી. માસુમ બાળકીને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. બાળકીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. ભચાઉ તાલુકાના ફતેરગઢ ગામે રહેતાં પરિવારની ઈનાયાબેન અલ્તાફભાઈ ખલીકા નામની સાત મહિનાની માસુમ બાળકી પોતાના ઘરે પલંગ ઉપર રમતી હતી ત્યારે અકસ્માતે રમતા રમતા નીચે પટકાઈ હતી.
માસુમ બાળકીને ગંભીર ઈજા થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ માસુમ બાળકી હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.આ અંગે પ્રાથમિક પુછપરછમાં મૃતક બાળકીનો પરિવાર મજુરી કામ કરે છે અને મૃતક ઈનાયાબેન ખલીકા તેના માતા પિતાને એકની એક લાડકવાઈ પુત્રી હતી. ઈનાયા ખલીકા પલંગ ઉપર રમતી હતી ત્યારે અકસ્માતે રમતા રમતા નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચવાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.