84 વર્ષની વૃદ્ધ માતા ઉપર 50 વર્ષના કપાતરે આચર્યું દુષ્કર્મ
કચ્છના અંજારમાં માતા-પુત્રના પવિત્ર સબંધોને લજવતો અને ભદ્ર સમાજને શર્મસાર કરતી એક ઘટના બની છે. પુત્રએ 84 વર્ષની વૃદ્ધ માતા ઉપર દુષ્કર્મ આચરી મો કાળુ કરતા સમાજમાંથી ફિટકારની લાગણી જન્મી છે.
બહાર આવેલી વિગતો અનુસાર અંજાર પોલીસ મથકથી પૂર્વ દિશામાં પાંચ કિ.મી. દૂર ગત તા. 27-2ના રાત્રિના નવ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. પોલીસનાં સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, 50 વર્ષીય નરાધમ આરોપીએ શારીરિક રીતે અશક્ત 84 વર્ષીય માતા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
આ મામલે ફરિયાદીએ જેઠ વિરુદ્ધ અંજાર પોલીસ મથકે વિધિવત રીતે ગુનો નોંધાવ્યો હતો. માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પ્રકારનું હિન કૃત્ય કરનારા આરોપી છેલ્લા કેટલાય સમયથી માતાને માનસિક અને શારીરિક યાતનાઓ આપતો હતો. નસેડી પુત્ર માતા પાસે ગમે તે ભોગે નાણાં આપવા માટે દબાણ કરતો હતો. દરમ્યાન કપાતર પુત્રે માતા ઉપર હિન કૃત્ય કરતાં તેમને માથાંના ભાગે અને ગુપ્તાંગના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. વિકૃત માનસ ધરાવતા સગા પુત્રનાં આ પ્રકારના કૃત્યથી ઘેરો શોક લાગ્યો હતો. લાંબા સમયથી બીમાર રહેતા આ વૃદ્ધાને બ્રેઇન સ્ટોક આવ્યો હતો. હાલમાં તેની ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં ભોગ બનનારા વૃદ્ધાની હાલત અત્યંત નાજૂક હોવાની પણ વિગતો અંતરંગ વર્તુળો પાસેથી મળી હતી, જો કે, હોસ્પિટલના મેનેજરને વૃદ્ધાની હાલત અંગે પૂછતાં તેઓ તરફથી કોઇ પ્રત્યુત્તર મળ્યો નહતો.
આ બનાવના પ્રારંભના તબક્કે આરોપી પોતાનાં ઘરની બહાર અપશબ્દો બોલી બબાલ કરતો હોવાનો ટેલિફોન પોલીસ મથકે રણક્યો હતો, જે-તે સમયે પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન કાયદાની કલમો તળે ગુનો નોંધી ગળપાદર જેલ હવાલે કર્યો હતો. બાદમાં આ તહોમતદારએ સભ્ય સમાજને લાંછન લગાવે તે પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું. હળાહળ કળિયુગમાં આ પ્રકારના બનાવને લઈને લોકોએ આરોપી ઉપર ફિટકાર વરસાવ્યો હતો. અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. ગોહિલે આ બનાવને અત્યંત ઘૃણાસ્પદ ગણાવ્યો હતો. આરોપી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન તળે ગુના નોંધાઈ ચૂક્યા છે. આ અંગે વધુ તપાસનો ધમધમાટ ચાલતો હોવાનું તેમણે ઉમેર્યું હતું.