બસ વીજવાયરને અડી જતા 40 યાત્રિકોને કરંટ લાગ્યો, મહિલાનું મોત
યાત્રાધામ ડાકોરમાં મંગળવારે પૂનમના દિવસે બપોરે આશરે 3.30 કલાકે મુસાફરો ભરેલી એક ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસને રિવર્સ લેતા ઝુલતો વીજ વાયર અડી ગયો હતો. જેના કારણે આખી બસમાં કરંટ પ્રસરી જતા બસમાં મુસાફરોની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. બસમાં બોગી નંબર 1 માં વીજ કરંટની વધુ અસર થતા ત્રણ મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાંથી એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક પુરૂૂષ અને મહિલાને ગંભીર હાલતમાં નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી અપાયા હતા.
કચ્છના રતનાલથી દક્ષિણ ભારતના પ્રવાસે માતૃછાયા ટ્રાવેલ્સની બસ નીકળી હતી. જેમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. ધાર્મિક યાત્રાના પ્રથમ ચરણમાં પૂનમે ડાકોરના ઠાકોર રણછોડરાયજીના દર્શન કરવા બસ ડાકોર આવી હતી.
ડાકોરના મુખા તળાવ પાસે પહિયારીજીના આશ્રમ પાસે બસને પાર્ક કરવામાં આવી હતી. ત્યાર બાદ મુસાફરો ઠાકોરજીના દર્શનાર્થે ગયા હતા.
દર્શન કરીને પરત ફર્યા બાદ તમામ મુસાફરો બસમાં બેસી ગયા હતા અને ડ્રાઇવરે બસ ઉપાડી હતી. બસ રિવર્સ લેતી વખતે બસ ઝુલતા વીજ વાયરને અડી જતા આખી બસમાં કરંટ પ્રસરી ગયો હતો. 40 મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં કરંટ લાગ્યો હતો.
જોકે બસ રિવર્સમાં જતી હોવાથી વીજ વાયર તૂટીને પડી જતા વીજ કરંટ બંધ થઇ ગયો હતો. જોકે બસમાં સવાર જ્યોતિબેન જીવાભાઇ રત્નાભાઇ ગુજરાતી( ઉ.વ.45, કંડોરણા, જિલ્લો રાજકોટ)નું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રિકમભાઇ ગોપાલભાઇ છાગા( ઉ.વ. 50, રત્નાલ, ભચાઉ, કચ્છ) અને વસુબેન મહાદેવભાઇ દત્તા ( ઉ.વ. 48, મોરગઢ, ભચાઉ, કચ્છ)ને ગંભીર ઇજા થતા તેઓને સારવાર માટે નડિયાદ સિવિલ ખસેડાયા હતા. પ્રથમ તેઓને સારવાર માટે ડાકોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા પરંતુ તેઓની સ્થિતિ ગંભીર જણાતા તેઓને વધુ સારવાર માટે નડિયાદ ખસેડાયા હતા.
ડાકોરમાં વીજ વાયરો ઝૂલી રહ્યા છે. વીજ તંત્ર દ્વારા આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તૂટેલા અને ક્ષતિગ્રસ્ત થાંભલાઓ, ઝૂલતા વીજ વાયરો છતાંય વીજ તંત્ર દ્વારા નવા વીજ થાંભલા નાંખવાની કે વાયરોને સરખા કરવાની પણ તસ્દી લેવાતી નથી. જેના કારણે જ આ અકસ્માત થયો હોવાનું ડાકોરવાસીઓ જણાવી રહ્યા છે.
ડાકોરમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. નાના-મોટા વાહનોની સતત અવર -જવર રહેતી હોય છે તેવામાં વીજ વાયરો જોખમી રીતે ઝૂલતા હોય અને વીજ તંત્ર આંખઆડા કાન કરતું હોય તે મોટો પ્રશ્ન છે.
એકબાજી વીજચોરીના કેસો ડામવા માટે વીજતંત્ર સ્પેશિયલ ટીમો બનાવીને લોકોને દંડે છે , કેસ કરે છે અને દંડ ફટકારે છે. તો પછી લોકોની સલામતી માટે લેવાના થતા પગલા કેમ ભરવામાં વીજતંત્ર ઉદાસિનતા રાખે છે તે મોટો પ્રશ્ન છે.