રાજકોટ પુત્રીની કિડનીની દવા લેવા આવેલા કચ્છના પરિવારના મકાનમાંથી 4.33 લાખની ચોરી
કચ્છમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી તસ્કરો એકપછી એક બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે. તેમાં હવે માધાપર નવાવાસ ખાતે ન્યુ પારસનગરના બંધ મકાનનનો સમાવેશ થયો છે. જ્યાં પુત્રીની કિડનીની દવા લેવા રાજકોટ ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂા. 4.33 લાખની ચોરી કરતા ફરિયાદ નોંધાવી છે.
જેના પગલે પોલીસે ડોગસ્ક્વોડ સહિતની તપાસ હાથ ધરી હતી. નવાવાસમાં કોટક નગરની બાજુમાં આવેલા ન્યુ પારસનગરના પ્લોટ નં. 35-36માં રહેતા મયુર ચત્રભુજ ભાનુશાલીના મકાનમાં શનિવારે રાત્રે 8 વાગ્યાથી રવિવારે સવારે 9 વાગ્યા વચ્ચે ચોરીનો બનાવ બન્યો હતો. મકાન માલિક મયુરભાઇ નિરોણામાં મેડિકલ સ્ટોર ચલાવે છે. તેઓ શનિવારે વહેલી સવારે પરિવાર સાથે પુત્રીની દવા લેવા રાજકોટ ગયા હતાં.
તેમના ભાઇ અશોકભાઇ ભાનુશાલી જેઓ સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજવે છે તેઓ પણ બે-ત્રણ શેરી મુકીને રહે છે. બહારગામ ગયા હોવાથી અશોકભાઇ તેમના ભાઇ મયુરભાઇના ઘરે દિવા-અગરબત્તી કરવા ગત રાત્રે 8 વાગ્યે ગયા હતાં. રવિવારે સવારે 9 વાગ્યે ફરી દિવા-અગરત્તી કરવા ભાઇના ઘરે આવ્યા તો બહાર ગેટ અને ઘરના મુખ્ય દરવાજાનો તાળુ તુટેલું હતું.
જેથી પાડોશમાં રહેતા લોકોને જાણ કરીને અંદર જોયુ તો બેડરૂૂમમાં સામાન વેરવિખેર હાલતમાં હતો અને ચોરી થઇ હોવાનો અંદાજ આવી ગયો હતો. ત્યારે જ મકાન માલિક મયુરભાઇને ફોન કરી જાણ કરી હતી. તેઓએ કબાટમાં દાગીના અને રકમ છે કે નહીં તે તપાસ કરવાનું કહ્યું હતું. અંદર તપાસ કરતા તમામ દાગીના અને રકમ ચોરાઇ ગઇ હોવાનું બહાર આવ્યું હતું.
જેથી પોલીસને જાણ કરી હતી. સ્થાનિક તથા એલસીબી સહિતની ટીમો સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે, કચ્છમાં ઘરફોડ તેમજ કેબલ ચોરી સહિતના બનાવોમાં ઉછાળો આવ્યો છે. તસ્કરોને પોલીસની કોઇ બીક જ ન હોય તેમ બેફામ બન્યા છે અને રહેણાંકના મકાનો, મંદિરોને નિશાન બનાવી રહ્યા છે.
આ તમામ સામગ્રીની ચોરી થઇ મકાનમાંથી રૂૂા. 1.35 લાખની કિંમતનું એક સાડા ચાર તોલાનું મંગલસુત્ર, રૂૂા. 45 હજારની કિંમતનની એક સોનાની ચેઇન, રૂૂા.90 હજારની કિંમતની 5 વીંટી, રૂૂા.30 હજારની કિંમતની 4 બુટીની જોડી તેની સાથે અન્ય દાગીના સહિત રોકડ રકમ રૂૂા. એક લાખ સહિત કુલ રૂૂા. 4.33 લાખની ચોરી થઇ હતી.