કચ્છના કાસેઝના ગોદામમાંથી 3.16 લાખની સોપારીની ચોરી
શહેરના કાસેઝમાં આવેલા એક ગોદામની બારી તોડી અંદર ઘૂસી નિશાચરોએ તેમાંથી રૂૂા. 3,16,650ની 3500 કિલો સોપારીની ચોરી કરી હતી. બનાવથી કાસેઝની કંપનીઓમાં ફરીથી સુરક્ષાનો મુદ્દો સપાટી ઉપર આવ્યો હતો. શહેરના કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાં ગોદામ નં. 285 ફ્લેમિંગો લોજિસ્ટિક નામના ગોદામમાં નિશાચરોએ હાથ માર્યો હતો. આ ગોદામની સુરક્ષા અર્થે સુરક્ષાકર્મીઓ તૈનાત હોવા છતાં તસ્કરો કળા કરી ગયા હતા. કિરણસિંહ કોચરના આ ગોદામમાં બાજુની બારીના સળિયા તોડી નિશાચરો અંદર ઉતર્યા હતા. આ ગોદામમાં કંપનીએ 70 કિલોની એક એવી 386 બોરી રી-એક્સપોર્ટ માટે રાખી મૂકી હતી. તસ્કરોએ ભારી જણાતી 70 કિલોની એક એવી 50 બોરી ગોદામ બહાર કાઢી લીધી હતી અને રૂા. 3,16,650ની 3500 કિલો સોપારીની ચોરી કરી નાસી ગયા હતા.
ચોરીના આ બનાવ અંગે કંપનીના મેનેજર દેવેન્દ્ર ખેમચંદ બાલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 2/9 અને 3/9ની રાત્રિ દરમ્યાન બનેલા આ બનાવ અંગે આજે પોલીસ ચોપડે ફરિયાદ ચડતાં અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા. કાસેઝની કંપનીઓમાં ચોરીના બનાવો ન બને તે માટે તંત્રએ મોટી દીવાલો, કાંટાળી તાર, મોટા ઝાડ લગાવ્યા છે. સુરક્ષાની આવી વાતો વચ્ચે ચોરીનો બનાવ પોલીસ ચોપડે ચડતાં ફરી એક વખત અહીંની કંપનીઓનો સુરક્ષાનો મુદ્દો સપાટી ઉપર આવ્યો હતો. બનાવમાં તસ્કરોએ 3500 કિલો વજનવાળી સોપારી ચોરી કરવા માટે કોઇ મોટા વાહનનો ઉપયોગ કર્યો હશે તેવી આશંકાના આધારે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.