For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેસરના રાણી ગામે વાડીના શેઢેથી માટી લેવા બાબતે હત્યા

12:07 PM Jul 16, 2024 IST | Bhumika
જેસરના રાણી ગામે વાડીના શેઢેથી માટી લેવા બાબતે હત્યા
Advertisement

નજીવી બાબતે શેઢા પાડોશી વચ્ચે ખૂની ખેલ : બેને ઈજા

ભાવનગર જિલ્લાના જેસર તાબેના રાણીગામની સીમમાં આવેલ વાડીના શેઢે માટી લેવા બાબતે બે શેઢા પાડોશી વચ્ચે મારમારીની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું,જ્યારે બે વ્યક્તિને ઇજા થઇ હતી.આ બનાવ અંગે જેસર પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જેસર તાબેના રાણીગામમાં રહેતા રઘુભાઈ જીવકુભાઈ ઉર્ફે બાબભાઈ કામળિયા ગઈ કાલે બપોરના સમયે તેમની વાડીના શેઢે પાણીના નિકાલ માટે જે.સી.બી.વડે આર.સી.સી.રોડ પાસેની દીવાલને અડીને આવેલી માટી ખોદાવતા હતા તે દરમિયાન બાજુની વાડીવાળા મામીયાભાઈ ભગતભાઈ ગીડ સાથે માટી લેવા બાબતે ઝઘડો થતા કુહાડી,પાઇપ સહિતના હથિયારો વડે મારામારી થતા રઘુભાઈ,તેમના કાકા પ્રતાપભાઈ તેમજ મામીયાભાઈને ઇજા થઇ હતી.આ ઘટનામાં પ્રતાપભાઈ કામળિયાને ગંભીર ઇજા થતાં તેમને પ્રથમ ગારીયાધાર અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

આ બનાવ અંગે રઘુભાઈ જીવકુભાઈ કામળિયાએ રાણીગામમાં રહેતા મામીયાભાઈ ભગતભાઈ ગીડ,તેના બે દીકરા અશ્વિન,રઘુ તેમજ ભાઈ દેવજીભાઈ ભગતભાઈ ગીડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તેમની વાડીમાં પાણી ભરાતું હોવાથી પાણીના નિકાલ માટે ગઈકાલે બપોરે તેવો જેસીબી દ્વારા ચાર કરાવવાનું કામ કરતા હતા તે દરમિયાન બાજુની વાડીવાળા મામીયાભાઈએ કુહાડી હાથમાં રાખી આવી માટી કાઢવાની ના પાડી કુહાડીનો એક ઘા ડાબા પગના ભાગે ઝીંકી દીધો હતો આથી તેમણે તેમના કાકા પ્રતાપભાઈને ફોન કરીને બોલાવતા તેઓ આવતા હતા ત્યારે મામીયાભાઈના ભાઈ દેવશીભાઈ તેમજ તેના બે દીકરા અશ્વિન અને રઘુએ કુહાડી,પાઇપ ,ધારીયું લઈને આવી પ્રતાપભાઈને પકડી રાખી મામીયાભાઈએ કુહાડીના ત્રણ ઘા ઝીંકી પ્રતાપભાઈ એભલભાઈ કામળિયાને ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું.

જ્યારે સામે પક્ષે મામીયાભાઈ ભગતભાઈએ રાણીગામમાં રહેતા રઘુભાઈ બાબુભાઈ કામળિયા અને તેના કાકા પ્રતાપભાઈ એબલભાઈ કામળિયા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની વાડીના શેઢે રસ્તો બનાવેલ હોય અને આર સી સીની દિવાલ બનાવેલ હોય જેમાં રઘુભાઈ કામળિયા જેસીબી વાળા પાસે ખોદાવી માટી તેમની વાડીમાં લઈ જઈ પાળો બનાવતા હતા. આખી તેમને દીવાલ પાસેથી માટી લેવાની ના કહેતા રઘુભાઈએ ઝપાઝપી કરી હતી તેમજ પ્રતાપભાઈએ કુહાડી વડે ઇજા કરી હતી તેમજ પ્રભુભાઈએ લાકડી વડે માર માર્યો હતો. આ બનાવ અંગે જેસર પોલીસે બંને પક્ષના મળી છ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement