આફ્રિકામાં બંધક યુવકના ભાઈનો આપઘાતનો પ્રયાસ
છેલ્લા ત્રણ મહિનાથી રાજકોટના યુવકને બંધક બનાવનાર ભાઈને મુક્ત નહીં કરતા યુવાને વીડિયો વાઈરલ કરી ભરેલું પગલું
રાજકોટથી કમાવવા માટે આફ્રિકાના કીનસાસા ગયેલા એક પરિવારના લાડકવાયા પુત્ર જય કોરિયાનું તેના જ માલિકે આફ્રિકામાં અપહરણ કરી તેને બંધક બનાવતાં પરિવારજનો પુત્રને છોડાવવા માટે છેલ્લા ત્રણ મહિનાથી મદદની ગુહાર લગાવી રહ્યાં છે છતાં પરિણામ નહીં આવતા મોટાભાઈને નહીં છોડતા નાનાભાઈ અભય દિનેશ કોરિયા (ઉ.વ.22)એ આજે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અને આપઘાતના પ્રયાસ પૂર્વે એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ખળભળાટ મચી ગયો છે.
રાજકોટથી બે વર્ષ પૂર્વે આફ્રિકા ગયેલા જય દીનેશ કોરીયા ઉપર તેના માલિકે આઠ હજાર ડોલર ચોરીનો આરોપ લગાવી તેને બંધક બનાવ્યો છે. પરિવારજનોએ આ રકમ આપવા માટેની તૈયારી બતાવતાં જયને બંધક બનાવનાર તેના કંપનીના માલિકે વધુ રકમની માંગણી કરતાં છેલ્લા ત્રણ મહિનાથી આ બાબતે કોરીયા પરિવાર ભારતીય એમ્બેસી અને સ્વામીનારાયણ સંતોના શરણે ગયા હોવા છતાં હજુ સુધી કોઈ પરિવાર નહીં આવતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયો હતો. અને આ મામલે સરકાર તેમની મદદ માટે અનેક વખત રજૂઆત કર્યા છતાં કોઈ પરિણામ આવ્યું ન હતું.
રાજકોટનાં વાવડી વિસ્તારમાં રહેતા જય દિનેશભાઈ કોરીયા બે વર્ષ પૂર્વે માટે આફ્રિકા ગયો હતો અને જ્યાં બે વર્ષ એક કંપનીમાં નોકરી કર્યા બાદ તેનો કોન્ટ્રાકટ પુરો થઈ જતાં મુળ રાજકોટના લોધિકાના વતની મેહુલ ગોહેલની આફ્રિકાના કોંગોના કીનસાસા ખાતે આવેલ બોરવેલની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરીએ લાગ્યો હતો અને તમામ આર્થિક વહીવટ સંભાળતો હતો તે દરમિયાન કંપનીના હિસાબના 8 હજાર ડોલર એટલે કે રૂા.6.80 લાખનો હિસાબ નહીં મળતાં આ રકમ જય કોરીયાએ ચોરી કર્યાનો આરોપ લગાવી ગત તા.3-6-2024નાં રોજ તેને કંપનીના માલિકે બંધક બનાવી એક રૂમમાં પુરી દીધો હતો.
કંપનીના માલિકે હવે 6.80 લાખ નહીં પરંતુ 22.50 લાખ રૂપિયા ચુકવવા પડશે તેવું જણાવતાં જયના માતા અને તેનો નાના ભાઈ અવાચક બની ગયા હતાં. આટલી મોટી રકમની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય જેથી અગાઉ નક્કી કરેલી રૂા.6.80 લાખની રકમ તેઓ મકાન વેંચીને ચુકવી આપશે તેવી ખાતરી આપી હતી. પરંતુ કંપનીના માલિકે કોઈ કારણસર જયને મુકત કર્યો ન હતો અને બંધક બનાવી એક રૂમમાં ગોંધી રાખીને તેને ટોચર કર્યો હતો. પરિવારજનોએ પુત્રની મુક્તિ માટે ભારતીય એમ્બેસીનો સંપર્ક કર્યો પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં. કંપનીના માલિકે જયના માતા હિનાબેન અને ભાઈ અભયને જણાવ્યું કે જય જુગારમાં તેના મિત્ર હામિદ સાથે મળી જુગારમાં 8 હજાર ડોલર હારી ગયો છે આવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ બાબતે જયના પરિવારજનોએ જો તેણે ગુનો કર્યો હોય તો આફ્રિકા પોલીસ હવાલે કરી દો.
થોડા દિવસો બાદ જયને આફ્રિકા પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેના પરિવાર સાથે ફોનમાં તે સતત સંપર્કમાં હતો પરંતુ જયની મુક્તિ કઈ રીતે થાય તે બાબતે પરિવારજનોએ આ મામલે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફ જયની માતાએ મદદ માટે ગુહાર લગાવી હતી. પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું. છેલ્લા ત્રણ મહિનાથી પરિવારજનો જયની મુક્તિ માટે પ્રયાસો કરી રહ્યા હોય કોઈ પરિણામ નહીં આવતા આજે વાવડીમાં આવેલ આવાસ યોજના આવાસના ક્વાટરમાં 11માં માળે જયના નાનાભાઈ અભય દિનેશ કોરિયાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે સોશિયલ મીડિયામાં તેણે એક વીડિયો પણ વાયરલ કર્યો છે. હવે આ બાબતે પોલીસ શું પગલા લે છે તે જોવાનું રહ્યું.
આપઘાતના પ્રયાસ પૂર્વે વાઈરલ કરેલા વીડિયોમાં રાજકોટ અને આફ્રિકાના શખ્સોના નામ
જય કોરિયાના નાનાભાઈ અભય દિનેશ કોરિયાએ આપઘાતનો પ્રયાસ કર્યો તે પૂર્વે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો સાત મીનીટના આ વીડિયોમાં પોતે તેના ભાઈ સાથે આફ્રિકામાં થયેલ દૂરદશા અંગેની વિગતો જણાવી તેમજ રાજકોટમાં જ્યારે પોલીસમાં અરજી થઈ ત્યારે તેમની સાથે શું શું બનાવ બન્યો તે સહિતની બાબતો વીગતવાર જણાવી છે આ વીડિયોમાં રાજકોટ અને આફ્રિકાના શખ્સોના નામ પણ આપ્યા છે. જેઓ આ પ્રકરણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જેમાં રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં જ્યારે અભયને નિવેદન માટે બોલવામાં આવ્યો ત્યારે તેની સાથે શું થયું તે સહિતની બાબતો તેણે વીડિયોમાં જણાવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસ તપાસ કરી રહી છે.