અમેરિકાના સ્વામિનારાયણ સનાતન મંદિર ખાતે પાર્થિવ લિંગની કરાઇ પૂજા
ભક્તજનોએ માનસરોવરનાં પવિત્ર જળમાં પાર્થિવ લીંગનું વિસર્જન કરીને ગંગાજીની આરતી કરી દિવ્યતા અનુભવી
અમેરીકા, જ્યોર્જિયામાં આવેલા સવાનાહ શહેરમાં એસજીવીપી સ્વામિનારાયણ સનાતન મંદિર દ્વારા શ્રાવણ માસના સોમવારે પાર્થિવ લીંગની પુજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા આપતા કહ્યું છે કે, અમારા આશ્રિતોએ શ્રાવણ માસમાં શિવજીનું વિશેષે કરીને પૂજન કરવું. શિવ પુરાણ તથા શિક્ષાપત્રી અનુસાર શ્રાવણ માસમાં શિવજીનું વિશેષ પૂજન તથા આરાધન કરવાથી આશુતોષ ભગવાન ભોળાનાથ વિશેષ પ્રસન્ન થાય છે.એસજીવીપી સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીની મંગલ પ્રેરણાથી શ્રાવણ માસના દરેક સોમવારે અહીં શિવજીની સવિશેષ પૂજા અર્ચના થાય છે.જેમાં દ્વાદશ જ્યોતિર્લિંગ સ્વરૂપે મહાદેવજીના દ્વાદશ સ્વરૂૂપો બિરાજે છે. શિવ પુરાણમાં ‘પાર્થિવ લીંગ’ પુજાનો ખૂબ જ મોટો મહીમા વર્ણવવામાં આવેલ છે. શ્રાવણ માસના બીજા સોમવારે અહીં પાર્થિવ લીંગ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુજનનો લાભ લેવા સવાનાહ ઉપરાંત જ્યોર્જિયાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભક્તજનોએ માન સરોવરના પવિત્ર જળમાં પાર્થિવ લીંગનું વિસર્જન કરીને ગંગાજીની આરતી કરી દિવ્યતાનો અનુભવ કર્યો હતો.મંદિરમાં ઠાકોરજીની વિશેષ સેવા પૂજા કરતા પંડિત રવિ મહારાજ તથા ભાવિન મહારાજે પૌરાણિક વિધિ વિધાન સાથે પૂજા વિધિ કરાવ્યો હતો.