પાક.-બાંગ્લાદેશ વચ્ચે વિઝા મુક્ત પ્રવેશ કરાર
પાકિસ્તાન અને બાંગ્લાદેશ રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકો માટે વિઝા-મુક્ત પ્રવેશ પર સંમત થયા છે. ભારત આ અંગે સતર્ક થઈ ગયું છે. બંને દેશો વચ્ચે આ નિર્ણય પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી અને બાંગ્લાદેશના ગૃહમંત્રી જહાંગીર આલમ ચૌધરી વચ્ચે ઢાકામાં થયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશો રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકો માટે વિઝા-મુક્ત પ્રવેશ પર પ્રગતિ કરી છે. બંને દેશોએ આ બાબતે સંમતિ આપી છે. જોકે, વિઝા-મુક્ત સિસ્ટમ શરૂૂ થવાની કોઈ તારીખ આપવામાં આવી નથી.
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે વિઝા-મુક્ત પ્રવેશ અંગે ભારતની સુરક્ષા ચિંતાઓ વધી છે. ભારતીય અધિકારીઓને ડર છે કે આનાથી પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓની અવરજવર સરળ થઈ શકે છે. આ ચિંતા નવી દિલ્હી માટે પણ ગંભીર છે કારણ કે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન પછી, ત્યાંની નવી વચગાળાની સરકારના નેતૃત્વ હેઠળ પાકિસ્તાન સાથેના સંબંધો ઝડપથી સુધર્યા છે.