બડે બેઆબરૂ હોકે નીકલે તેરી મહેફિલ સે, પુતિને 40 મિનિટ સુધી બેસાડી રાખતા પાક. PMનો ડ્રામા
અધિરા બનેલા શાહનબાઝ પુતિન અને એર્દોગનની બેઠકમાં ઘુસી ગયા
ગઇકાલે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માટે 40 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. જ્યારે પુતિને તેમને બોલાવ્યા નહીં ત્યારે તેઓ અને તેમના સહાયકો બળજબરીથી બેઠકમાં ઘૂસી ગયા હતા. શાહબાઝ શરીફ એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપવા માટે તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્ગાબાત પહોંચ્યા છે.
શાહબાઝ શરીફના આ પગલાથી વિશ્વભરમાં પાકિસ્તાનની બદનામી થઈ છે. એક વિડિયોમાં શાહબાઝ શરીફ ખુરશી પર બેઠા બેઠા રાહ જોઈ રહ્યા છે. તેઓ પોતાના નખ કરડતા જોવા મળે છે. કદાચ તેમને જિગર મોરાદાબાદીનો શેર યાદ આવ્યો હશે ‘બિખરી ઝુલ્ફ, ઉદાસ ચેહરા, એ દિલ-એ-ગમગીન કિસ કે સીતમ કી યે હૈ દાસ્તાં -એ-હસીન.
બીજા એક વિડિયોમાં શાહબાઝ શરીફને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન વચ્ચેની બેઠક ખંડનો દરવાજો બળજબરીથી ખોલતા જોઈ શકાય છે. આરટી ન્યૂઝ એજન્સી અનુસાર, 40 મિનિટથી વધુ સમય સુધી રશિયન રાષ્ટ્રપતિની રાહ જોયા બાદ શરીફ પુતિન અને એર્દોગન વચ્ચેની બેઠકમાં બળજબરીથી ઘૂસતા જોવા મળે છે.
શાહબાઝ શરીફ મીટિંગ રૂૂમમાં પ્રવેશ્યા પણ 10 મિનિટમાં જ નીકળી ગયા. પુતિન અને એર્દોગન તેમની સાથે વાત કરી હોવાના અહેવાલ છે પરંતુ તેમણે બહુ ઓછું ધ્યાન આપ્યું. નોંધનીય છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પણ આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપવા માટે તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્ગાબાતમાં છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ રશિયન રાષ્ટ્રપતિને મળવા માટે ઉત્સુક હતા, પરંતુ પુતિન તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન સાથે મુલાકાત કરી રહ્યા હતા. પરિણામે, શાહબાઝ શરીફને 40 મિનિટ રાહ જોવી પડી. આ પહેલી વાર નથી જ્યારે શાહબાઝ શરીફે પોતાને અને પાકિસ્તાનને વિશ્વભરમાં હાસ્યનો વિષય બનાવ્યો હોય. સપ્ટેમ્બરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં તેઓ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો પાછળ પાછળ ફરતા જોવા મળ્યા હતા, જોકે બંનેમાંથી કોઈએ તેમને આમંત્રણ આપ્યું ન હતું.