ટ્રુડોના રાજીનામા બાદ બે ભારતીય મૂળના નેતાઓ PM બનવા લાઇનમાં
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા અને વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. સોમવારે ટ્રુડોએ તેમના રાજીનામાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે પાર્ટીના નવા નેતાની પસંદગી થયા બાદ તેઓ પીએમ પદ છોડી દેશે. લિબરલ પાર્ટીના નવા નેતાને પસંદ કરવાની રેસ શરૂૂ થઈ ગઈ છે. લિબરલ પાર્ટીના નવા નેતા માટે ઘણા નામો સામે આવ્યા છે. ભારતીય મૂળના બે રાજકારણીઓ પણ છે, જેમાંથી એક કેનેડાના નવા પીએમ બની શકે છે. આમાં એક નામ અનિતા આનંદનું અને બીજું નામ જ્યોર્જ ચહલનું છે.
જસ્ટિન ટ્રુડો પછી ઘણા નેતાઓ તેમની જગ્યા લેવાની રેસમાં છે. તેમાં ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ, માર્ક કાર્ને, ડોમિનિક લેબ્લેન્ક, મેલાની જોલી, ફ્રાન્કોઈસ-ફિલિપ શેમ્પેઈન, ક્રિસ્ટી ક્લાર્ક, અનિતા આનંદ અને જ્યોર્જ ચહલનો સમાવેશ થાય છે.
તેમાંથી એક લિબરલ પાર્ટીના નેતા તરીકે ચૂંટાય તેવી અપેક્ષા છે. આ નેતાઓમાં અનિતા અને જ્યોર્જ ભારતીય મૂળના કેનેડિયન રાજકારણીઓ છે.
કેનેડાના પીએમ બનવાની રેસમાં ભારતીય મૂળના બે સાંસદો છે. તેમાંથી એક ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને વર્તમાન પરિવહન અને આંતરિક વેપાર પ્રધાન અનિતા આનંદ છે. અનિતાના માતા-પિતા ભારતના તામિલનાડુ અને પંજાબના છે. આનંદને રાજકારણનો ઘણો અનુભવ છે. તેમણે કોવિડ રોગચાળા દરમિયાન ખૂબ સારું કામ કર્યું. આનાથી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. ભારતીય મૂળના લોકોમાં પણ તેમની સારી છબી હોવાનું માનવામાં આવે છે.
ભારતીય મૂળના અન્ય એક નેતા આલ્બર્ટાના લિબરલ સાંસદ જ્યોર્જ ચહલ પણ કેનેડાના વડાપ્રધાન બની શકે છે. ચહલે ગયા અઠવાડિયે પોતાના કોકસના સાથીદારોને પત્ર લખીને આ વિનંતી પણ કરી છે. એક વકીલ અને સમુદાયના નેતા તરીકે, ચહલે કેલગરી સિટી કાઉન્સિલર તરીકે વિવિધ સમિતિઓમાં સેવા આપી છે. તેઓ પ્રાકૃતિક સંસાધનોની સ્થાયી સમિતિ અને શીખ કોકસના અધ્યક્ષ પણ છે. ચહલ હાલના દિવસોમાં ટ્રુડોની ટીકા કરી રહ્યો છે.