શપથ ગ્રહણ પહેલાં ટ્રમ્પને ઝટકો, સજા ટાળવાની વિનંતી જજે ફગાવી
ન્યૂયોર્કના ન્યાયાધીશે હશ મની કેસમાં સજામાં વિલંબ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની વિનંતીને ફગાવી દીધી છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શપથ ગ્રહણ સમારોહ પહેલા ન્યૂયોર્ક કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. જજે સોમવારે હશ મની કેસમાં સજામાં વિલંબ કરવાની વિનંતીને ફગાવી દીધી હતી.
જજ જુઆન માર્ચને ગયા અઠવાડિયે ચુકાદો આપ્યો હતો કે શુક્રવારે શપથ ગ્રહણ સમારોહ હોવા છતાં ટ્રમ્પની સજા થવી જોઈએ. જોકે ટ્રમ્પના વકીલે દલીલ કરી હતી કે તેમની ચૂંટણીની જીતથી કેસનો અંત આવવો જોઈએ, પરંતુ ન્યાયાધીશ સંમત ન હતા. જજ માર્ચેને બે પાનાના નિર્ણયમાં જણાવ્યું હતું કે ફરિયાદીઓએ સજામાં વિલંબનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જો ટ્રમ્પ સફળતાપૂર્વક ઉચ્ચ અદાલતમાં અપીલ કરે તો જ તેને ટાળી શકાય. ચુકાદો આપતા મર્ચને કહ્યું, આ અદાલતે પ્રતિવાદીની દલીલોને ધ્યાનમાં લીધી છે અને શોધી કાઢ્યું છે કે તે મોટાભાગે ભૂતકાળમાં કરવામાં આવેલી દલીલોનું પુનરાવર્તન છે. જાન્યુઆરી 10, 2025 ના રોજ નિર્ધારિત સજાની સુનાવણી પર રોક લગાવવાની પ્રતિવાદીની દરખાસ્ત નકારી કાઢવામાં આવી છે.
જજ માર્ચેને ટ્રમ્પને શુક્રવારની સજા દરમિયાન રૂૂબરૂૂ અથવા ઓનલાઈન હાજર રહેવાનો વિકલ્પ આપ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ભૂતપૂર્વ અને ભાવિ પ્રમુખને જેલમાં મોકલવાનો ઇરાદો ધરાવતા નથી. તમને જણાવી દઈએ કે ટ્રમ્પ એવા પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેમને કોઈપણ ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.