ટ્રમ્પનો ટેરિફ ટેરર, પાક. સાથે દોસ્તી: મોદીની મુત્સદીગીરીની હવે અસલ કસોટી
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગાઢ દોસ્તીની દુહાઈઓ વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પે ભારતને બેવડો ફટકો મારી દીધો. ટ્રમ્પે એક તરફ ભારતથી આવતા માલ-સામાન પર પચીસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે ત્યારે બીજી તરફ ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાન સાથે ઓઈલ ડીલ કરવાની પણ જાહેરાત કરી છે. ટ્રમ્પે એવું એલાન પણ કર્યું છે કે, રશિયા પાસેથી શસ્ત્રો અને ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારત પર દંડ પણ લાદવામાં આવશે.
ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી એક પછી એક દેશને લપેટતા જતા હતા અને ટેરિફ ઠોક્યા કરતા હતા, પણ ભારત પર ટેરિફ નહોતો ઠોક્યો. બલકે અમેરિકા ભારત સાથે ટ્રેડ ડીલ કરવા મથ્યા કરતું હતું. તેના કારણે એવો પ્રચાર ચાલેલો કે, મોદી સાથેની દોસ્તીના કારણે ટ્રમ્પ ભારત પર ટેરિફ નથી લાદી રહ્યા, પણ આ બેવડા વારે સાબિત કર્યું છે કે ટ્રમ્પ કોઈના દોસ્ત નથી ને ભારતને દુશ્મન જ માને છે.
ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદવાની જાહેરાત કરી તેમાં પણ મોદી સાથેની દોસ્તીની દુહાઈ આપી જ છે. ટ્રમ્પે દાવો કર્યો કે, મોદી મારા મિત્ર છે પણ વ્યાપારમાં આપણને બહુ મદદ કરતા નથી. અમેરિકાના માલ પર ભારતમાં ટેરિફ વિશ્વમાં સૌથી વધારે છે તેથી અમેરિકાએ પણ ટેરિફ લાદવા જ પડે એમ છે. ટ્રમ્પે આમ મોદીની ટીકા કરી છે પણ આડકતરી રીતે મોદીનાં વખાણ કરી નાખ્યા છે. ટ્રમ્પની વાતનો સાર એ છે કે, મોદી ધંધામાં ભાઈબંધી કરવામાં માનતા નથી ને દેશનાં હિતોને કોરાણે મૂકીને દોસ્તી નિભાવવામાં માનતા નથી.
જો કે ભારત માટે ટ્રમ્પના ટેરિફ કે દંડ કરતાં વધારે ખતરનાક બાબત પાકિસ્તાન સાથેનું ઓઈલ ડીલ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા -પર પોસ્ટ મૂકી છે કે, અમે પાકિસ્તાન સાથે કરેલા સોદામાં અમેરિકા અને પાકિસ્તાન સંયુક્ત રીતે પાકિસ્તાનમાં વિશાળ ઓઈલ ભંડારનો -વિકાસ કરશે. આ ભાગીદારી માટે એક ઓઈલ કંપનીની પસંદગી કરવામાં આવશે અને ભવિષ્યમાં કદાચ પાકિસ્તાન ભારતને પણ ઓઈલ વેચશે. પહેલી નજરે આ એક બિઝનેસ ડીલ લાગે પણ આ ડીલ ભવિષ્યમાં ભારત માટે ખતરનાક સાબિત થાય. ભૂતકાળમાં અમેરિકાએ આ રીતે જ પાકિસ્તાનને પોતાના પડખામાં લીધું હતું ને ધીરે ધીરે બંનેનાં સંબંધો એ હદે ગાઢ બની ગયા કે, પાકિસ્તાનના દરેક પાપ સામે અમેરિકા આંખ આડા કાન જ નહોતું કરતું પણ તેનો બચાવ પણ કરતું.
પાકિસ્તાનને અમેરિકાએ આર્થિક રીતે તાકાતવર બનાવ્યું અને હથિયારો આપીને લશ્કરી રીતે પણ તાકાતવર બનાવ્યું. અમેરિકા અને પાકિસ્તાનની આ દોસ્તી સામે શું કરવું એ ભારતે વિચારવું જોઈએ. મોદીની મુત્સદીગીરીની અસલી કસોટી આ ઉપાયમાં છે.