ભારત પર લગાવેલ 25% અમેરિકી ટેરિફ ટ્રમ્પે 7 દિવસ માટે મુલતવી રાખ્યો, જાણો ક્યારથી થશે લાગુ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એટલે કે ગઈ કાલે (૩૦ જુલાઈ) ભારત પર ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, આ ટેરિફ આજે 1 ઓગસ્ટ 2025થી લાગૂ થવાનો હતો, પરંતુ હવે ભારતને એક અઠવાડિયાનો સમય મળ્યો છે. ટ્રમ્પે આ નિર્ણય 7 દિવસ માટે મુલતવી રાખ્યો છે. હવે ભારત પર ટેરિફ 7 ઓગસ્ટથી લાગૂ થશે. ભારતની સાથે ૭૦ થી વધુ દેશોને રાહત મળી છે.
ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા, પાકિસ્તાન પર ૧૯ ટકા, બાંગ્લાદેશ પર ૨૦ ટકા અને અફઘાનિસ્તાન પર ૧૫ ટકા ટેરિફ લાદ્યો હતો. આ રીતે, ઘણા દેશો ટેરિફની યાદીમાં સામેલ છે, પરંતુ હવે નવો ટેરિફ એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવ્યો છે. ટ્રમ્પ કહે છે કે નવો ટેરિફ અમેરિકાને આર્થિક મજબૂતી આપશે અને વેપાર સંતુલન પણ બનાવશે.
અમેરિકા ભારત પર દબાણ લાવી રહ્યું છે
અમેરિકા હાલમાં આ કારણોસર ભારત પર ટેરિફ લાદી રહ્યું છે, જેથી તે દબાણ વધારી શકે. બંને દેશો વચ્ચેનો વેપાર સોદો હજુ સુધી અંતિમ સ્વરૂપ પામ્યો નથી. અમેરિકા અને ભારત વચ્ચે ઘણી વખત વાતચીત થઈ છે. દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના સહાયક વિદેશ પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળી ચૂકેલા નિશા બિસ્વાલે પણ કહ્યું હતું કે અમેરિકા દ્વારા ટેરિફ લાદવું એ માત્ર એક વ્યૂહાત્મક પગલું છે. તે ભારત પર દબાણ લાવવા માંગે છે.
અમેરિકા ઇચ્છે છે કે ભારત શક્ય તેટલી વહેલી તકે કૃષિ અને ડેરી ક્ષેત્રો પર કરાર કરે, પરંતુ ભારત આ માટે તૈયાર નથી. તેનું કહેવું છે કે કૃષિ અને ડેરી ક્ષેત્ર અમેરિકા માટે ખોલી શકાતું નથી. અમેરિકા પોતાનું માંસાહારી દૂધ ભારતમાં મોકલવા માંગે છે. વાસ્તવમાં, અમેરિકામાં પ્રાણીઓને ચારાની સાથે ડુક્કર અને અન્ય પ્રાણીઓની ચરબી આપવામાં આવે છે. આ જ કારણ છે કે ભારત સંમત નથી થઈ રહ્યું. ભારત અમેરિકા સાથે સંતુલિત સોદો ઇચ્છે છે, જે અહીંના લોકો માટે ફાયદાકારક સાબિત થશે.