ટ્રમ્પે ભારત ગુમાવ્યું: 50 ટકા ટેરિફની દુનિયાભરમાં ચર્ચા
અમેરિકી ચેનલ સીએનએનના મત મુજબ નરેન્દ્ર મોદી માટે ટેરિફ પચાવવી મુશ્કેલ: ગાર્ડિયને બન્ને દેશોના સંબંધોને મોટું નુકસાન કહ્યું
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઊંચા ટેરિફની ઘોષણા બાદ આખરે એ દિવસ આવી જ ગયો છે જ્યારે ભારત પર 50 ટકા ટેરિફ લાગી ગઇ છે. રશિયાને કારણે આ પગલું ઉઠાવવામાં આવ્યુ હોવાનું ટ્રમ્પના વહીવટીતંત્રનું કહેવું છે ત્યારે બીજી બાજુ જોઇએ તો ભારત અમેરિકાનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે, એવામાં આ ટેરિફે દુનિયાનું ધ્યાન ખેચ્યું છે.
અમેરિકન ચેનલCNNએ આ સમાચારને મુખ્ય રીતે આવરી લીધા હતા. તેના વિશ્ર્લેષણમાં કહેવામાં આવ્યું હતું કે આ ટેરિફ વિવાદને કારણે અમેરિકાએ ભારત ગુમાવ્યું છે અને તેના પરિણામો ખૂબ જ ખરાબ આવશે. વધુમાં લખ્યું છે કે રશિયા પાસેથી ઓઇલ ખરીદી પર લાદવામાં આવેલ ટેરિફને પચાવવું વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે મુશ્કેલ છે, કારણ કે ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન મોદી અને ટ્રમ્પના સંબંધો ખૂબ સારા હતા.CNNના બીજા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 50% ટેરિફથી ભારત જેવા મોટા ભાગીદાર સાથે અમેરિકાના સંબંધો બગડ્યા છે.
બ્રિટિશ અખબાર ગાર્ડિયનએ આ પગલાને ભારત-અમેરિકા સંબંધોમાં અત્યાર સુધીનું નસૌથી મોટું નુકસાનથ ગણાવ્યું છે. એક ભારતીય વેપાર અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પે બધું ગુમાવી દીધું છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને પાટા પર લાવવામાં ઘણો સમય લાગશે. ગાર્ડિયનના રાજદ્વારી સંપાદક પેટ્રિક વિન્ટોરે લખ્યું છે કે ટ્રમ્પ ટેરિફ દ્વારા પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભારત અને બ્રાઝિલ જેવા દેશો સાથે મળીને વિરોધ કરી રહ્યા છે. BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન) દેશોએ વિરોધ કર્યો છે, જે દર્શાવે છે કે ટ્રમ્પની વ્યૂહરચના ઉલટાવી શકે છે અને એક નવી પ્રતિકાર ધરી રચાઈ શકે છે.
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે ભારત પર 50% ટેરિફ અમેરિકાના નસૌથી વધુ ટેરિફથ પૈકીનો એક છે. રશિયા પાસેથી ઓઇલની ખરીદીથી ગુસ્સે થયા બાદ ટ્રમ્પે આ પગલું ભર્યું છે. કતારની સરકારી ચેનલ અલ જઝીરાએ લખ્યું છે કે ભારે ટેરિફ ભારતના અર્થતંત્ર પર ખરાબ અસર કરશે કારણ કે અમેરિકા તેનું સૌથી મોટું નિકાસ બજાર છે.
રાજકીય ગેરસમજ અને સંકેતો અવગણવાના કારણે વેપાર વાટાઘાટો નિષ્ફળ રહી
રોઇટર્સે લખ્યું છે કે ટેરિફ લાગુ થતાંની સાથે જ વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો અને વ્યૂહાત્મક ભાગીદારો વચ્ચે તણાવ વધી ગયો છે. આ ભારતના નાના નિકાસકારો અને નોકરીઓ માટે જોખમી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ભારત વચ્ચે પાંચ રાઉન્ડની વાતચીત નિષ્ફળ ગયા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. ભારત ઇચ્છતું હતું કે યુએસ ટેરિફ 15% સુધી મર્યાદિત રહે, જેમ કે જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયન પર લાગુ પડે છે. પરંતુ રાજકીય ગેરસમજ અને સંકેતોને અવગણવાને કારણે વાટાઘાટો નિષ્ફળ ગઈ હતી. યુએસ સેન્સસ બ્યુરો અનુસાર, 2024માં ભારત-અમેરિકા વેપાર 129 અબજ ડોલરનો હતો, જેમાં અમેરિકાની ખાધ 45.8 અબજ ડોલરની હતી.