ચીન સાથે વેપાર કરાર: ટ્રમ્પ ઘડીકના માણસ છે તે હવે સ્પષ્ટ થયું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે અંતે અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર કરારની જાહેરાત કરી નાંખી. આ કરાર હેઠળ ચીન હવે અમેરિકન કંપનીઓને રેર અર્થ મટિરિયલ એટલે કે મૂલ્યવાન ખનિજો સપ્લાય કરશે અને બદલામાં અમેરિકા ચીનના વિદ્યાર્થીઓ માટે અમેરિકાની યુનિવર્સિટીઓ અને કોલેજોના દરવાજા ખોલી દેશે. ટ્રમ્પે ચીન સાથેના આ કરારને મંજૂરી આપી દીધી છે. હવે ચીનના પ્રમુખ શી જિનપિંગની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ટ્રમ્પે ગયા અઠવાડિયે જ જિનપિંગ સાથે વાત કરેલી ને તેમાં કરારની શરતો અંગે ચર્ચા કરેલી. એ પછી કરારને અંતિમ સ્વરૂૂપ અપાયું છે એ જોતાં જિનપિંગની મંજૂરી એક ઔપચારિકતા જ મનાય છે.
આ કરાર દ્વારા ટ્રમ્પે ચીન સામે સંપૂર્ણપણે ઘૂંટણ ટેકવી દીધા છે એ સ્પષ્ટ છે. ટ્રમ્પે જોશમાં ને જોશમાં ચીનની અમેરિકામાં નિકાસ પર આકરાં નિયંત્રણો લાદીને ધડાઘડ ટેરિફ તો ઠોક દીધેલો પણ મહિનામાં જ ટ્રમ્પ હાંફી ગયેલા. ટ્રમ્પે મહિના પછી જ ચીનના માલની અમેરિકામાં એન્ટ્રી પરનાં નિયંત્રણો હળવાં કરવા માંડલાં ને હવે ઔપચારિક રીતે વ્યાપાર કરાર કરી નાંખ્યો છે. ટ્રમ્પનો એ વિના છૂટકો નહોતો કેમ કે ટેકનોલોજી ઈક્વિપમેન્ટ્સ, સ્માર્ટફોન અને ઇલેક્ટ્રિક કાર માટે રેર અર્થ મટિરિયલ્સ અનિવાર્ય છે.
લેન્થેનમ, નિયોડીમિયમ, પ્રસોડીમિયમ જેવી 17 જેટલી દુર્લભ મનાતી ખનિજો વિના સામાન્ય ખનિજો વિના આ ઉત્પાદનો બની જ ના શકે. સામાન્ય ખનિજો જેવી જ આ ખનિજામાં વિશેષ ચુંબકીય અને ઇલેક્ટ્રોનિક ગુણધર્મો હોવાથી સ્માર્ટફોન, લેપટોપ અને ટેલિવિઝન સહિતની ઈલેક્ટ્રોનિક્સ ચીજો ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો, પવન ટર્બાઇન, સૌર પેનલ અને બેટરી સહિત ઘણી આધુનિક ટેકનિકમાં થાય છે. ચીન વિશ્વનો સૌથી મોટો રેર અર્થ મિનરલ્સનો ઉત્પાદક દેશ છે. ટ્રમ્પે પડ્યા પછીય ટંગડી ઉંચી રાખવા એવો દાવો કર્યો કે, આ નવા કરારથી અમેરિકાને ટેરિફ એટલે કે આયાત ડ્યૂટીમાં 55 ટકા ફાયદો મળશે જ્યારે ચીનને ફક્ત 10 ટકા લાભમળશે. આ ટેરિફ સિસ્ટમ કઈ રીતે કામ કરવાની છે તેનો ટ્રમ્પે ફોડ પાડયો નથી.
પણ ટ્રમ્પ મહાજૂઠો માણસ છે તેથી તેની વાતોને ગંભીરતાથી લેવાની જરૂૂર નથી. ટ્રમ્પ ગમે તે દાવા કરે, આ કરાર ચીનની જીત દર્શાવે છે ને અમેરિકાએ ચીન સામે ઘૂંટણ ટેકવવા પડ્યા છે એ આખી દુનિયાને દેખાય જ છે. આ કરાર દ્વારા ટ્રમ્પે સાબિત કર્યું છે કે, અમેરિકાને પોતાનાં હિતો સાચવવા સિવાય બીજા કશામાં રસ નથી. જે ચીનને બે મહિના પહેલાં લગી ટ્રમ્પ ગાળો દેતા હતા તેના પગમાં અત્યારે : ટ્રમ્પ આખેઆખા આળોટી ગયા છે તેના પરથી જ સ્પષ્ટ છે કે, ગરજે ગધેડાને બાપ કહેવો પડે તો તેની પણ અમેરિકાની તૈયારી છે.