અમેરિકા સાથે ટ્રેડ ડીલ અટકી, હવે US પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ ફેંસલો
દિવાળી બાદ ટેરિફ લાગુ થવાની શકયતા: અનેક મુદ્દે અસંમતિ બાદ અમેરિકા પોતાના અધિકારીઓને ભારત મોકલશે, કૃષિ-ડેરી પ્રોડક્ટ મુદ્દે કોકડું ગુંચવાયું
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. જોકે, વારંવાર થઈ રહેલા મતભેદોના કારણે હવે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે આ ટ્રેડ ડીલની જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં થશે. ટ્રેડ ડીલ માટે ભારતીય ડેલિગેશન અમેરિકા ગયું હતું, પરંતુ કોઈ મોટી જાહેરાત વિના ડેલિગેશન ભારત પરત આવી ગયું છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટ મહિનાના બીજા સપ્તાહમાં અમેરિકાનું ડેલિગેશન ભારત આવશે.
ભારત અને અમેરિકા વચ્ચે અત્યાર સુધી સત્તાવાર રીતે 5 તબક્કામાં વાટાઘાટો થઈ ચૂકી છે. ઓટો કમ્પોનેન્ટ્સ, સ્ટીલ આને કૃષિ પ્રોડક્ટ્સને લઈને બંને દેશો વચ્ચે મતભેદો છે જેના કારણે ડીલ પહેલા વાટાઘાટો લાંબી ખેંચાઇ રહી છે. ભારત સરકારે હાલમાં જ સ્પષ્ટ કર્યું હતું કે ટ્રેડ ડીલ ત્યારે જ થશે જ્યારે તે દેશહિતમાં હોય. ભારતે કૃષિ અને ડેરી સેક્ટરમાં અમેરિકાની માંગો સ્વીકારી નથી.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ માટે વિશ્વના દેશોને પહેલી ઓગસ્ટની ડેડલાઈન આપી હતી. એવામાં હવે એક્સપર્ટનું માનવું છે કે જ્યાં સુધી ટ્રેડ ડીલ ન થાય ત્યાં સુધી ભારતે 26 ટકા ટેરિફ માટે તૈયાર રહેવું પડશે.
બીજી તરફ ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ લગભગ ફાઈનલ થઈ જ ગઈ છે અને ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવશે. જોકે બીજી તરફ ટ્રમ્પ બ્રિક્સ દેશોને વધારાના ટેરિફની ધમકી પણ આપી રહ્યા છે, ભારત પણ બ્રિક્સનું સભ્ય છે.
ટેરીફ મુદ્દે ત્રણ વાર તારીખ પડી, ભારતની 25.51 અબજ ડોલરની નિકાસને ફટકો પડવાની શકયતા
ડોનાલ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેણે વિશ્ર્વના ઘણા દેશો પર ટેરિફ લગાવી દીધા હતાં. આ વર્ષે 2 એપ્રિલે, ટ્રમ્પે ઘણા દેશો પર પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી. અમેરિકા વિવિધ દેશો સાથે વેપાર વાટાઘાટો કરી રહ્યું છે, તે દરમિયાન 90 દિવસ માટે 9 જુલાઈ અને ત્યારબાદ 1 ઓગસ્ટ સુધી વધારાના ટેરિફનો અમલ મુલતવી રાખવામાં આવ્યો હતો. ભારત અને અમેરિકા આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં દ્વિપક્ષીય વેપાર કરારના પ્રારંભિક તબક્કા માટે ચર્ચાઓને અંતિમ સ્વરૂૂપ આપવાનું લક્ષ્ય ધરાવે છે, અને અગાઉથી વચગાળાના વેપાર વ્યવસ્થાની યોજના છે. આ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જૂન દરમિયાન ભારતની અમેરિકામાં માલની નિકાસ 22.8 ટકા વધીને 25.51 અબજ થઈ છે, જ્યારે આયાત 11.68 ટકા વધીને 12.86 અબજ થઈ છે. જેને અસર થવાની શકયતા છે.