સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવા પહોંચ્યું સ્પેસ એકસ ડ્રેગન કેપ્સ્યુલ
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બૂચ વિલ્મોર ઘણા મહિનાઓથી અવકાશમાં અટવાયેલા છે.હવે તેમને પૃથ્વી પર પાછા લાવવા માટે નાસા અને સ્પેસએક્સનું ક્રૂ-9 મિશન શરૂૂ કરવામાં આવ્યું છે. નાસાના નિક હેગ અને રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ સુનીતા અને બૂચને પાછા લાવવા માટે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં મુસાફરી કરીને રવિવારે સફળતાપૂર્વક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા. ત્યાં તમામે હેગ અને ગોર્બુનોવનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ફાલ્કન 9 રોકેટ શનિવારે કેપ કેનાવેરલ, ફ્લોરિડાથી બપોરે 1:17 વાગ્યે ઉપડ્યું હતું, જ્યારે ડ્રેગન અવકાશયાન પર ક્રૂ-9 મિશન રવિવારે સાંજે 5:30 વાગ્યે આઇએસએસ પાસે પહોંચ્યું હતું. ડોકીંગ પૂર્ણ થયા પછી, નાસાના અવકાશયાત્રી નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાંડર ગોર્બુનોવ સાંજે 7:00 વાગ્યા પછી સ્ટેશન પર ઉતર્યા અને સ્પેસ સ્ટેશન પર સવાર તેમના સાથીદારોને ગળે લગાવ્યા હતા. જેના પર નાસાના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર પેમ મેલરોયે એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું કે આજનો દિવસ શાનદાર હતો.
જ્યારે હેગ અને ગોર્બુનોવ ફેબ્રુઆરીમાં સ્પેસ સ્ટેશનથી પાછા ફરશે, ત્યારે તેઓ બે અવકાશયાત્રી બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ પાછા લાવશે . જે બોઈંગ દ્વારા ડિઝાઈન કરાયેલ સ્ટારલાઈનરમાં સમસ્યાને કારણે સમયસર પૃથ્વી પર પાછી આવી શક્યા ન હતા.જ્યારે તેઓ ત્યાં માત્ર આઠ દિવસ રોકાવાના હતા, ત્યારે ફ્લાઇટ દરમિયાન સ્ટારલાઈનરમાં ખામી સર્જાયા બાદ નાસાને યોજના બદલવાની ફરજ પડી હતી.