અમેરિકા જવાની ઘેલછામાં જીવનની દિશા અને દશા બદલાઈ ગયા
વતન વાપસી કરનાર ભારતીયોની હૈયા વરાળ: માલ-મિલકતો વેચીને સારા જીવનની આશાએ અમેરિકા ગયા હવે ભવિષ્ય અંગે ઘેરી ચિંતા
અમુક 15 દિવસ તો અમુક છ મહિના યાતના વેઠી અમેરિકામાં ઘુસ્યા પણ પકડાઈ જતાં પરત ભારત ધકેલી દેવાયા
ગુજરાતના એક જ પરિવારના ચાર સભ્યો મેક્સિકો બોર્ડરે ઠૂંઠવાઈને મોતને ભેટ્યા બાદ પણ અમેરિકામાં ઘુસણખોરીની ઘેલછા યથાવત્
માનવ તસ્કરી કરતાં દલાલોની ચુંગાલમાં ફસાઈને અનેક લોકોના જીવન બરબાદ થઈ ચુક્યા છે, અમુક તો અજાણ્યા દેશોમાં ફસાઈ ગયા છે
અમેરિકામાં વસીને સારી કમાણી અને સારા જીવનની અપેક્ષાએ ડંકી રૂટ અપનાવી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસેલા 33 ગુજરાતી સહિત 104 ભારતીયોને અમેરિકાએ દેશ નિકાલ કરતા તમામની પરત વતન વાપસી થઈ છે ત્યારે પરત આવેલા યુવાનોના જીવનની દિશા અને દશા આ ઘટનાથી બદલાઈ ગઈ છે.
ઉચ્ચ અભ્યાસ બાદ પણ નોકરી-ધંધો નહીં મળવાથી યુવા વર્ગ વિદેશ જવા દોટ મુકી છે અને અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રમાં જવા માટે ગમે તે હદ પાર કરી જાય છે. માલ-મિલ્કતો વહેંચીને ડંકી રૂટ મારફત લોકો અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરે છે, તેમાં સફળ થાય તો ઠીક છે નહીંતર જીવન આખુ દાવ ઉપર લાગી જાય છે.
અમેરિકાથી પરત ફરેલા 104 ભારતીયોમાંથી અનેકની સ્ટોરી પણ આવી જ છે. અમેરિકામાં વસી સારુ જીવન જીવવાની ઘેલછામાં આ લોકોની બાકીની કેરિયર દાવ ઉપર લાગી ગઈ છે. ભારતમાં પરત ફર્યા બાદ આવા લોકો સામે કોઈ મોટી કાર્યવાહી તો નહીં થાય પરંતુ સામાજીક જીવન અને આગળની કેરિયર આવા લોકો માટે વધુ પડકારરૂપ બની રહેશે.
અમુક લોકોના દલાલોની ચૂંગાલમાં ફસાઈને જીવન બરબાદ થઈ ગયા છે. માનવ તસ્કરીનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવતા દલાલો યુવાનોની ઘેલછાનો લાભ ઉઠાવી અન્ય દેશોમાં ફસાવીદેતા હોવાના પણ અનેક કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે.
તો ડંકી રૂટથી અમેરિકામાં પ્રવેશવાની લ્હાયમાં અનેક લોકોએ જીંદગી પણ ગુમાવી છે. ગુજરાતના કલોલ તાલુકાના ડિંગુચા ગામના પટેલ પરિવારના જગદીશ પટેલ (ઉ.વ.39), તેની પત્ની વૈશાલી (ઉ.વ.37) અને બે માસુમ સંતાનો દીકરી વિહાંગી (ઉ.વ.11) તથા પુત્ર ધાર્મિક (ઉ.વ.3)ના ગત તા. 19 જાન્યુઆરી-2022ના રોજ કેનેડા-યુ.એસ. બોર્ડર ઉપર ઠંડીમાં ઠુઠવાઈ જવાથી અતિ કરુણ મોત નિપજ્યા હતાં.
માનવ તસ્કરની આ ઘટનાથી દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. અને સરકારે અનેક દલાલોને પણ પકડ્યા હતા પરંતુ ત્યાર બાદ પણ માનવ તસ્કરી ચાલુ જ રહી છે.
ભારતમાંથી અમેરિકામાં ઘુસણખોરી માટેના અલગ અલગ રૂટ છે. અને આ માટે ઓછામાં ઓછા 15 દિવસથી માંડી ત્રણ મહિના જેવો સમય લાગે છે. આ સમયગાળો ઘુસણખોરો માટે જીવતા નર્ક સમાન બની રહે છે. અનેક પ્રકારની યાતનાઓ અને ડગલેને પગલે જીવનું જોખમ હોવા છતાં લોકો અમેરિકામાં ઘુસણખોરી માટે સતત પ્રયાસો કરતા રહે છે.
અમેરિકાથી પરત ફરેલા કેટલાક ભારતીયોએ તથા તેમના પરિવારજનોએ આપવિતી જણાવી હતી અને ભવિષ્ય અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી.
42 લાખની લોન લઈ હરવિંદરસિંહ પૈસા કમાવા ગયો અને પરત આવ્યો
હોશિયારપુર જિલ્લાના ટાંડા ઉદમુર બ્લોકના ગામ તાલીના હરવિંદર સિંહને પણ આ જ વિમાનમાં લાવવામાં આવ્યો છે. હરવિંદરની પત્ની, તેના ત્રણ બાળકો અને વૃદ્ધ માતા-પિતાએ જણાવ્યું હતું કે, અમે વ્યાજ પર પૈસા ભેગા કરીને અમારા પુત્રને વિદેશમાં પૈસા કમાવવા મોકલ્યા હતા. પરંતુ આ કમનસીબ સમાચાર મળતાં જ વિસ્તારના ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તે 42 લાખ રૂૂપિયાની લોન લઈને તેના પરનું વ્યાજ ચૂકવીને વિદેશ ગયો હતો. હવે આ ગરીબ પરિવારનું શું થશે?
યુરોપ જવાનું કહી નીકિતા પટેલ અમેરિકા પહોંચી, પરિવાર અજાણ
મહેસાણાના વિજાપુરના ડભાળા ગામની રહેવાસી નિકિતાની પણ વાર્તા પ્રકાશમાં આવી હતી, જે દેશનિકાલ થયા બાદ ઘરે પરત ફરી છે. તેણીના પિતા કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેમની પુત્રી યુરોપના પ્રવાસે ગઈ હતી, પરંતુ તે અમેરિકા ગઈ હોવાની વાત કોઈને જણાવી ન હતી. નિકિતાના પિતાએ જણાવ્યું કે, તેમની પુત્રી એક મહિના પહેલા વિઝા લઈને બે મિત્રો સાથે યુરોપ ગઈ હતી. ત્યારપછી તેમની વચ્ચે 14-15 જાન્યુઆરીએ છેલ્લી વાત થઈ હતી. એ વખતે યુરોપમાં રહેવાની જ વાત હતી, અમેરિકા જવાની વાત નહોતી. તેમને મીડિયા દ્વારા માહિતી મળી કે ગુજરાતમાંથી 33 લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે. તાજેતરમાં તેણે ખ.જભનો અભ્યાસ પૂરો કર્યો છે પણ અહીં કોઈ નોકરી નહોતી. પરંતુ તેણી આગળ શું કરવા જઈ રહી છે તે અંગે અમને કોઈ ખ્યાલ નહોતો.
સુરતમાં ફ્લેટ વેચીને કેતુલ પટેલ અમેરિકા ગયેલ
સુરતના ડિંડોલીમાં રહેતા કેતુલ પટેલના પરિવારને પણ અમેરિકાથી તડીપાર કરવામાં આવ્યો છે. આ લોકો એક વર્ષ પહેલા ફ્લેટ વેચીને વિદેશ ગયા હતા. ફ્લેટના નવા માલિક પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, અમેરિકામાં તેમના ગેરકાયદેસર રોકાણ અંગેની માહિતી મળતાં તેમને દુ:ખ થયું છે. કેતુલનો પરિવાર સ્વભાવે ઘણો સારો હતો. મેં તેમની પાસેથી એક એજન્ટ મારફતે ફ્લેટ ખરીદ્યો હતો. કેતુલના પિતા હસમુખ ભાઈ અમદાવાદના ખોરજમાં રહે છે. તે દરજીનું કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે.
તે કેવી રીતે અમેરિકા ગયો તેની ખબર નથી: કિરણસિંહની માતા
ગાંધીનગર જિલ્લાના બોરૂૂ ગામના ગોહિલ પરિવારના ત્રણ સભ્યો પણ અમેરિકાથી ભારત પરત ફર્યા છે, જેમાં કિરણસિંહ ગોહિલ, તેમની પત્ની મિત્તલબેન અને પુત્ર હેયાંશનો સમાવેશ થાય છે. આ ત્રણેય લોકો એક મહિના પહેલા જ અમેરિકા ગયા હતા. કિરણ સિંહની માતાએ જણાવ્યું કે તેમનો પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર થોડા દિવસ પહેલા અમેરિકા ગયા હતા. તે અમેરિકા કેવી રીતે ગયો તેની તેની પાસે કોઈ માહિતી નથી. તે છેલ્લા 15 દિવસથી તેની સાથે વાત કરી શકી નથી. તેને તેના પુત્રની ચિંતા થઇ રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે કિરણના અમેરિકા જવા અંગે તેમને કોઈ માહિતી નથી. તેણે કહ્યું કે તેના પરિવારની માલિકીની કુટુંબની જમીન છે. આ સિવાય તેમનો દીકરો અહીં નાની-મોટી નોકરી કરતો હતો.
30 લાખ ખર્ચી ડંકી રૂટથી 6 મહિને અમેરિકા પહોંચ્યો, 11 દી’માં પકડાયો
પંજાબના ફતેહગઢ ચુરિયનના રહેવાસી જસપાલ સિંહ છ મહિના પહેલા પોતાનું ઘર છોડીને જીવનની નવી શરૂૂઆત કરવાના સ્વપ્ન સાથે અમેરિકા ગયા હતા. આ માટે તેણે પોતાની બધી બચત દાવ પર લગાવી દીધી હતી, પણ ન તો તે અમેરિકામાં રહી શક્યો અને ન તો તેનું સ્વપ્ન પૂરું થઈ શક્યું. આ દરમિયાન જસપાલ સિંહે જણાવ્યું કે, તેમને કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. જસપાલ સિંહેને જણાવ્યું કે, મેં એક એજન્ટ સાથે કરાર કર્યો હતો. મને કહેવામાં આવ્યું કે, મને કાયદેસર વિઝા સાથે અમેરિકા મોકલવામાં આવશે. આનો સોદો 30 લાખ રૂૂપિયામાં થયો હતો પણ મારી સાથે છેતરપિંડી થઈ હતી. મને પહેલા પંજાબથી યુરોપ લઈ જવામાં આવ્યો, ત્યાંથી મને બ્રાઝિલ લઈ જવામાં આવ્યો હતો. મને ખબર નહોતી કે, હું ગેરકાયદેસર રીતે જઈ રહ્યો છું. બ્રાઝિલથી મારે ડંકી રસ્તો લેવો પડ્યો, જેમાં છ મહિના લાગ્યા હતા. જસપાલે જણાવ્યું કે, જાન્યુઆરી 2025 માં સરહદ પાર કરવા બદલ મને અમેરિકા પહોંચ્યાને માત્ર 11 દિવસ થયા હતા, ત્યારે જ મને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જસપાલે કહ્યું કે, નસ્ત્રમને ખ્યાલ નહોતો કે મને ભારત પાછા મોકલવામાં આવશે. જ્યારે તેઓએ મને વિમાનમાં બેસાડ્યો ત્યારે મને એવું લાગ્યું કે, મને બીજે ક્યાંક ખસેડવામાં આવી રહ્યો છે. પાછળથી એક અધિકારીએ મને કહ્યું કે, અમે ભારત પાછા જઈ રહ્યા છીએ.