હસીનાને પરત મોકલવા કે નહીં તેનો નિર્ણય ભારત ઉપર નિર્ભર
બાંગ્લાદેશના વિદેશપ્રધાન તૌહીદ હુસેનનું નિવેદન
બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ પ્રધાન તૌહીદ હુસૈનનું કહેવું છે કે જો તેમના દેશની અદાલત આદેશ જારી કરે છે, તો તેઓ પૂર્વ પીએમ શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવાનો પ્રયાસ કરશે. તેમણે એમ પણ કહ્યું કે હસીનાને પરત મોકલવા કે નહીં તે ભારત પર નિર્ભર છે. સરકારના નિર્દેશ પર હસીના વિરુદ્ધ 100 થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે. હસીના 5 ઓગસ્ટથી ભારતમાં શરણ લઈ રહી છે. બીજી તરફ બાંગ્લાદેશની યુનુસ સરકારે તેની પાર્ટી અવામી દળના ઘણા નેતાઓ અને હસીના સહિત ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીઓના રાજદ્વારી પાસપોર્ટ પણ રદ કરી દીધા છે.
વિદેશ મંત્રાલયમાં પત્રકારોને સંબોધતા તૌહીદ હુસૈને કહ્યું, જો દેશની અદાલતો મને તેણી (શેખ હસીના)ને પરત લાવવાની વ્યવસ્થા કરવા કહેશે તો હું તે વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરીશ. તે ભારતીય પક્ષ પર નિર્ભર રહેશે કે હસીનાને પરત મોકલવા કે નહીં. અમારો તેમની સાથે કરાર છે અને કરાર મુજબ ભારત ઇચ્છે તો તેમને પરત કરી શકે છે. જો કે, તે દેશમાં કાયદાકીય પ્રક્રિયાઓ પણ છે અને આપણે તેને તે કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરીને પરત લાવવાના પ્રયાસો કરવા પડશે.