ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી દક્ષિણ આફ્રિકા સતત બીજી વખત ફાઇનલમાં
મહિલા ટી-20 વર્લ્ડ કપમાં અપસેટ, છ વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની હાર
યુનાઈટેડ અમીરાત એટલે કે યુએઇમાં મહિલા ઝ20 વર્લ્ડ કપ 2024 રમાઈ રહ્યો છે, જેમાં પ્રથમ સેમીફાઈનલમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે 6 વખતની ચેમ્પિયન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવીને સતત બીજી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવવામાં સફળતા મેળવી છે. એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે દક્ષિણ આફ્રિકાની આ માત્ર ત્રીજી જીત છે.
છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા મહિલા ટી20 વર્લ્ડ કપની નવ આવૃત્તિઓમાં માત્ર બીજી વખત ફાઈનલ પહેલા જ બહાર થઈ ગઈ હતી. આટલું જ નહીં, 2009 પછી આ પ્રથમ વખત છે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ફાઈનલ નહીં રમે. આ સેમિફાઇનલ મેચ પહેલા, દક્ષિણ આફ્રિકાએ ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાને ક્યારેય હરાવ્યું ન હતું. આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા સામે તેની અગાઉની સાત મેચ હારી ગઈ હતી.
પરંતુ આ વખતે ટીમ ઈતિહાસ બદલવામાં સફળ રહી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના વિજય રથને વિરામ આપવામાં આવ્યો હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટી20 વર્લ્ડ કપમાં સતત 15 જીત નોંધાવી હતી. તે છેલ્લા 7 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યો હતો. પરંતુ આ વખતે તેમનું સતત 8મી વખત ફાઇનલમાં જવાનું સપનું દક્ષિણ આફ્રિકાની ટીમે ચકનાચૂર કરી દીધું હતું.