અમેરિકાના ટેકસાસમાં ગોળીબાર, બાળક સહિત ત્રણ લોકોના મોત
સોમવારે બપોરે યુનાઇટેડ સ્ટેટ્સના બીજા સૌથી મોટા રાજ્ય ટેક્સાસના ઑસ્ટિનમાં ટારગેટ કંપનીના સ્ટોરની બહાર ગોળીબારમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા. આ ગોળીબારમાં અન્ય એક વ્યક્તિને થોડી ઇજા થઈ હતી.
પોલીસે શંકાસ્પદ વ્યક્તિ ભાગી ગયા બાદ એક જગ્યાએથી ધરપકડ કરી હતી. ઑસ્ટિન પોલીસે આ માહિતી આપી હતી. એનબીસી ન્યૂઝ અને ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, ઑસ્ટિન પોલીસ વડા લિસા ડેવિસે જણાવ્યું હતું કે, પોલીસને બપોરે 2:15 વાગ્યે ગોળીબારની માહિતી મળી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
અધિકારીઓને સ્ટોરના પાર્કિંગમાં ત્રણ લોકો લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. ડેવિસે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા શંકાસ્પદ હત્યારાની ઉંમર લગભગ 32 વર્ષ છે.
તેમણે કહ્યું કે, રક્તપાત પછી, શંકાસ્પદે પાર્કિંગમાંથી કોઈની કાર ચોરી કરી અને ભાગી ગયો. ભાગવાની ઉતાવળમાં, તે અકસ્માતનો ભોગ બન્યો. પછી તેણે બીજી કાર લૂંટી લીધી અને ભાગવાનો પ્રયાસ કર્યો. પીછો કરતી પોલીસે તેને પકડી લીધો હતા.
પોલીસ વડાએ જણાવ્યું હતું કે, પાર્કિંગમાં લોહીલુહાણ હાલતમાં મળી આવેલા એક પુખ્ત અને એક બાળકને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
લોહીલુહાણ હાલતમાં મળેલા બીજા પુખ્તને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલે તેને મૃત જાહેર કર્યો હતો. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, શંકાસ્પદ વ્યક્તિની ઓળખ હાલમાં જાહેર કરવામાં આવી રહી નથી.