રશિયન વિમાનો નાટોના હવાઇક્ષેત્રમાં ઘુસે તો તોડી પાડવા જોઇએ: ટ્રમ્પ
ઝેલેન્સ્કી સાથેની મુલાકાતમાં અમેરિકી પ્રમુખનું નિવેદન
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું રશિયન વિમાન નાટોના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરે તો તેને તોડી પાડવું જોઈએ, ત્યારે ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું, હા, મને એવું લાગે છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર વિશ્વાસ કરવાના પ્રશ્ન પર, ટ્રમ્પે જવાબ આપ્યો, હું તમને એક મહિનામાં કહીશ. આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધી રહ્યું છે.
ઝેલેન્સકીએ આ બેઠકને સારી ગણાવી અને કહ્યું કે વાતચીત સકારાત્મક રહી. યુક્રેન પર રશિયાના હુમલાઓ વધી રહ્યા છે, જેના કારણે પૂર્વી યુરોપમાં અશાંતિ ફેલાઈ રહી છે. ઝેલેન્સકીએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોમ એકસ પર લખ્યું, હવે અમે અમેરિકા પાસેથી વધુ કડક પ્રતિબંધોની અપેક્ષા રાખીએ છીએ. યુરોપ પોતાનો ભાગ ભજવી રહ્યું છે. ટ્રમ્પે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ મોસ્કો પર મોટા પ્રતિબંધો લાદવા તૈયાર છે, પરંતુ નાટો દેશોએ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે. ટ્રમ્પ સાથેની તેમની બેઠકમાં, ઝેલેન્સકીએ ભવિષ્યમાં રશિયન હુમલાઓને રોકવા માટે યુક્રેન માટે લાંબા ગાળાની સુરક્ષા ગેરંટીની માંગ પણ ઉઠાવી.