પુતિન મીઠું મીઠું બોલે છે, રાતે અંધારામાં બોંબ ફેંકે છે : ટ્રમ્પ
યૂક્રેન પર રશિયન હુમલા બાદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પુતિન પર ગુસ્સે થયા છે. પોતાની નારાજગી વ્યક્ત કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ (પુતિન) ફક્ત સારી વાતો કરે છે, પરંતુ રાતના અંધારામાં લોકો પર બોમ્બ ફેંકે છે. ન્યૂજર્સીમાં ફિફા વર્લ્ડકપ ફાઇનલમાંથી પાછા ફર્યા બાદ મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે હું રાષ્ટ્રપતિ પુતિનથી ખૂબ નિરાશ છું. તેઓ સારી વાત કરે છે. તેઓ બોલવામાં નિષ્ણાત છે, પરંતુ તેઓ રાત્રિના અંધારામાં લોકો પર બોમ્બ ફેંકે છે. અમને આ ગમતું નથી.
આ દરમિયાન, જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે અમેરિકા યુક્રેનને શું મદદ કરવા જઈ રહ્યું છે, ત્યારે તેમણે કહ્યું, અમે તેમને પેટ્રિયોટ્સ મોકલીશું, જેની તેમને ખૂબ જરૂૂર છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ બેઠક દરમિયાન ટ્રમ્પ પાસેથી આ માંગણી કરી હતી. જોકે આ દરમિયાન ટ્રમ્પે યુક્રેનને કેટલા પેટ્રિયોટ્સ મોકલવામાં આવશે તે જણાવ્યું ન હતું, પરંતુ સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા યુક્રેનને શસ્ત્રો પૂરા પાડશે.