અમેરિકા જવાની લહાયમાં પંજાબીઓએ 43 કરોડ ચૂકવ્યા
દેશનિકાલ કરાયેલા 127 પંજાબીઓની પુછપરછ બાદ પંજાબ સરકારે આંકડો આપ્યો: મોટાભાગનાને એજન્ટના નામ-ઠેકાણાંની ખબર નથી
અમેરિકાએ હાથ-પગ બાંધીને અપમાનજનક હાલતમાં તગેડી મૂકેલા ભારતીયોની ઘરવાપસી થઈ રહી છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માટે લોકોએ લાખો રૂૂપિયા ખર્ચ્યા હતા, જે હવે માથે પડ્યા છે. એકલા પંજાબના ગેરકાયદેસર વસાહતીઓએ જ અમેરિકન ડ્રીમ પૂરું કરવાના ચક્કરમાં ટ્રાવેલ એજન્ટોને 43 કરોડ રૂૂપિયા ચૂકવ્યા હતા. આંખ મીંચીને અજાણ્યા એજન્ટો પર વિશ્વાસ મૂકી દેવાયો હતો.
5, 15 અને 16 ફેબ્રુઆરીએ અમૃતસરમાં અમેરિકાના ત્રણ લશ્કરી એરક્રાફ્ટ ઉતર્યા હતા. આ ત્રણ બેચમાં અમેરિકા દ્વારા કુલ 332 ભારતીયોને દેશનિકાલ કરાયા હતા, જેમાં 127 પંજાબીઓનો સમાવેશ થાય છે. આ 127 લોકોએ અમેરિકામાં ઘૂસ મારવા માટે જુદા-જુદા દેશના ટ્રાવેલ એજન્ટોને કુલ 43 કરોડ રૂૂપિયા ચૂકવ્યા હતા. આ આંકડો પંજાબ સરકારે આપ્યો છે.
પંજાબ સરકારના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર વસાહતીઓને પૂછવામાં આવ્યું હતું કે, તેમણે કયા એજન્ટને કેટલા નાણાં ચૂકવ્યા હતા, જેને આધારે આ આંકડા મળ્યા છે. પ્રથમ બેચમાં આવેલા 31 પંજાબીઓએ અલગ-અલગ એજન્ટોને કુલ 4.95 કરોડ રૂૂપિયા ચૂકવ્યા હોવાનું કબૂલ કર્યું હતું. 65 લોકોની બીજી બેચે 26.97 કરોડ રૂૂપિયા ચૂકવ્યા હતા અને 31 પંજાબીઓની ત્રીજી બેચે એજન્ટોને 11.37 કરોડ રૂૂપિયા ચૂકવ્યા હોવાનું સ્વીકાર્યું હતું. અલબત્ત, અમુક લોકોએ એજન્ટોને ચૂકવેલી રકમ જાહેર કરી ન હતી. એટલે એજન્ટોને ચૂકવાયેલ કુલ રકમનો આંકડો 43 કરોડ રૂૂપિયાથી વધુ જ હોવાનો.
અમૃતસર એરપોર્ટ પર ઉતરેલા પંજાબીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, મોટાભાગના લોકોને ખબર જ નહોતી કે એમનો એજન્ટ ખરેખર ક્યાં રહે છે! કોઈના એજન્ટ પાકિસ્તાનના હતા, તો કોઈના દુબઈ. કોઈના યુરોપના હતા તો કોઈના મેક્સિકો. આવા વિદેશી એજન્ટોને ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવ્યું હતું.
અમેરિકા જવાની લાયમાં લોકોએ અજાણ્યા એજન્ટો પર આંધળો વિશ્વાસ મૂકીને એમને પ્રતિ વ્યક્તિ 40-45 લાખ રૂૂપિયા આપી દીધા હતા. અલબત્ત, પંજાબના શહેરો અને ગામડાંઓમાં પણ ઘણા એજન્ટો આ ધંધામાં લાગેલા છે. ઘણાં પંજાબીઓએ એવા સ્થાનિક એજન્ટોને નાણાં આપીને અમેરિકામાં ગેરકારદેસર એન્ટ્રી મેળવી હતી.
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા લોકોને પૂછવામાં આવ્યું હતું કે, શું તમે તમારા એજન્ટ પર કોર્ટ કેસ કરશો? એના જવાબમાં અમુક લોકોએ કહ્યું હતું કે, તેઓ તેમના એજન્ટ સામે કોઈ કેસ નોંધવા માંગતા નથી. અમુકે કહ્યું હતું કે, તેઓ તેમના પરિવાર સાથે આ અંગે ચર્ચા કરશે અને પછી નિર્ણય લેશે. 127 માંથી ફક્ત 18 જણે કહ્યું હતું કે, તેઓ તેમના એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી કરશે.