ડીઝલના ભાવથી ભડકેલા લોકોનો ઇક્વાડોરના પ્રમુખનો જાન લેવા પ્રયાસ
પથ્થરમારાથી નિશાન બનાવાયા બાદ ગોળીબાર: આબાદ બચી ગયા
વિરોધી દેખાવકારોના પથ્થરમારા અને ગોળીબારમાં ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆ બચી ગયા હતા.
એક સરકારી મંત્રીએ દાવો કર્યો કે રાષ્ટ્રપતિના કાફલા પર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ નોબોઆ મધ્ય ઇક્વાડોરમાં એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા ત્યારે ડીઝલના ભાવમાં વધારો થવાનો વિરોધ કરી રહેલા એક મોટા જૂથે તેમના કાફલાને રોકી દીધો.
પર્યાવરણ મંત્રી ઇનેસ માન્ઝાનોએ કહ્યું, લગભગ 500 લોકો આવ્યા અને તેમના પર પથ્થરમારો કરી રહ્યા હતા, અને દેખીતી રીતે રાષ્ટ્રપતિની કાર પર પણ ગોળીઓના નિશાન છે. સરકારે એક વીડિયો બહાર પાડ્યો, જે કથિત રીતે વાહનની અંદરથી ફિલ્માવવામાં આવ્યો હતો. વીડિયોમાં વિરોધીઓ રસ્તા પર ઉભા, ધ્વજમાં લપેટાયેલા અને મોટા પથ્થરો અને ઇંટો એકત્રિત કરવા દોડી રહ્યા છે. રાષ્ટ્રપતિની એસયુવી કાર પસાર થતાં, વિરોધીઓએ પથ્થરમારો શરૂૂ કર્યો, જે પેનલિંગ પર વાગ્યો અને બારીઓ તૂટી ગઈ.
ડીઝલના ભાવ વધારવાના સરકારના નિર્ણય બાદ વધી રહેલા હિંસક વિરોધ વચ્ચે આ હુમલો થયો છે. વિરોધીઓ સતત હડતાળ કરી રહ્યા છે, રસ્તાઓ અવરોધિત કરી રહ્યા છે અને 16 સૈનિકોનું અપહરણ પણ કર્યું હતું. જો કે તેમને બાદમાં છોડી મુકાયા હતા.