ઇઝરાયલના મંત્રી હજારો યહુદીઓ સાથે અલ-અકસા મસ્જિદમાં પ્રવેશતા ભારે રોષ
સાઉદી અરબે ચેતવણી આપી, અમેરિકા-જોર્ડને પણ ઘટનાને વખોડી
ઇઝરાયલના દક્ષિણપંથી નેતા અને રાષ્ટ્રીય સુરક્ષા મામલોમાં મંત્રી ઇત્તેમાર બેન ગીવિરે અલ અક્સા મસ્જિદની મુલાકાત લેવા અને ત્યાં નમાજ પઢવાને લઇને ભારે વિવાદ સર્જાયો છે.ફિલિસ્તીન અને ઈઝરાયલ વચ્ચે વિવાદનું કેન્દ્ર બનેલી મસ્જિદમાં મંત્રી એકલા નહોતા ગયા, પરંતુ તેઓ હજારો ઈઝરાયલીઓ સાથે મસ્જિદ સંકુલમાં પ્રવેશ્યા હતા. આને લઈ સાઉદી અરબ ઈઝરાયેલ પર નારાજ છે અને અમેરિકાએ પણ તેને અસ્વીકાર્ય ગણાવ્યું છે.
મંગળવારે યહૂદી તિશા બે અબ અથવા યહૂદી શોક દિવસની યાદમાં બેન ગીવિરે મસ્જિદ પરિસરમાં પ્રવેશ્યા હતા. યહૂદીયોના પ્રાચીન મંદિર પર 70 ઇઈમાં રોમનોએ હુમલો કરી તોડી નાખ્યું હતું. જેની શોક દિવસ તરીકે યાદ રાખવામાં આવે છે.સાઉદી અરબે અલ-અક્સા મસ્જિદમાં ઈઝરાયેલના મંત્રીના પ્રવેશને હુમલો ગણાવ્યો છે અને તેની નિંદા કરી છે. સાઉદીએ કહ્યું છે કે, જેરુસલેમની ઐતિહાસિક યથાસ્થિતિનું સન્માન કરવું જોઈએ. સાઉદી અરબના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, કિંગડમ ઇઝરાયલી કબજાના અધિકારીઓ અલ-અક્સા મસ્જિદમાં ખુલ્લેઆમ અને સખત હુમલાની સખત શબ્દોમાં નિંદા કરે છે.
નિવેદનમાં ધાર્મિક પવિત્રતાનું સન્માન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે-સાથે સાઉદી અરબે ચેતવણી આપી છે કે પઆંતરરાષ્ટ્રીય કાનૂન અને જેરુસલેમની ઐતિહાસિક યથાસ્થિતિનું સતત ઉલ્લંઘન અને વિશ્વભરના લાખો મુસ્લિમોને ઉશ્કેરવાના ગંભીર પરિણામો આવી શકે છે. સાઉદી વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સમુદાયને આહ્વાન કર્યુ કે, ઇઝરાયેલ દ્વારા સતત થઈ રહેલ ઉલ્લંઘનને રોકવા માટે તેમની જવાબદારી નિભાવવા આવે.
મસ્જિદ પરિસરમાં યહૂદીઓ અને અન્ય બિન-મુસ્લિમોને પ્રવેશવાની છૂટ છે, પરંતુ તેઓ ત્યાં પ્રાર્થના કરી શકતા નથી અથવા કોઈ ધાર્મિક પ્રતીકો પ્રદર્શિત કરી શકતા નથી.
પરંતુ તાજેતરના વર્ષોમાં બેન ગીવિર જેવા દક્ષિણપંથી રાષ્ટ્રવાદી નેતાઓએ આ પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું છે. આ ઉલ્લંઘનોને કારણે ફિલિસ્તીનીયો તરફથી હિંસક પ્રતિક્રિયાઓ આવી રહી છે.