ભારત-અમેરિકા વેપાર કરારમાં માંસાહારી ગાયનું દૂધ આડે ઉતર્યું
ઇન્ડોનેશિયા સાથે 19 ટકા ટેરિફનો કરાર: ભારત સાથે પણ સમજુતીની ટ્રમ્પને આશા: ફાર્મા પર 200 ટકા જકાત લેવાની અમેરિકાની ધમકી
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની વાતચીત માંસાહારી ગાયના દૂધ પર અટકી ગઈ છે. ભારતે અમેરિકન ડેરી ઉત્પાદનોની આયાતને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. ભારતે અમેરિકાને કડક શબ્દોમાં કહ્યું છે કે ગાયોમાંથી મેળવેલા દૂધ અથવા ડેરી ઉત્પાદનો, જેમને માંસ અથવા લોહી જેવા પ્રાણી આધારિત ઉત્પાદનો ખવડાવવામાં આવ્યા હોય, તેમને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપી શકાતી નથી. આ ઉત્પાદનો પાસે આ સંદર્ભમાં પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
હકીકતમાં, અમેરિકામાં, ગાયના ચારામાં સસ્તા પ્રોટીન માટે ડુક્કર, મરઘી, માછલી અને ઘોડાઓની ચરબી અને લોહીનો ઉપયોગ થાય છે. અમેરિકાએ વિશ્વ વેપાર સંગઠનમાં ભારતની આ શરત ઉઠાવી છે, તેને બિનજરૂૂરી વેપાર અવરોધ ગણાવ્યો છે.
ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને તેનું ડેરી ક્ષેત્ર અર્થતંત્રમાં 3% સુધીનું યોગદાન આપે છે, જેનું કુલ મૂલ્ય ₹9 લાખ કરોડ છે. તેમાંથી મોટાભાગનું નાના, સીમાંત ખેડૂતોનું છે. એસબીઆઇ અનુસાર, જો અમેરિકામાંથી ડેરી ઉત્પાદનો આયાત કરવામાં આવે તો દેશ દર વર્ષે ₹1.03 લાખ કરોડનું નુકસાન કરી શકે છે. ભારતે ગાય સાથે સંકળાયેલી સાંસ્કૃતિક અને ધાર્મિક લાગણીઓનો પણ ઉલ્લેખ કર્યો છે.
બીજી તરફ, ઇન્ડોનેશીયાથી થતી આયાત પર 19 ટકા ટેરિફનો વેપાર કરાર થયા બાદ ટ્રમ્પે આશા દર્શાવતા કહ્યું કે ભારત સાથે ઇન્ડોનેશીયાની જેમ સમાન કરાર તૈયાર થઇ રહ્યો છે. ભારત તે દિશામાં કામ કરી રહ્યું છે. અમે એવો કરાર ઇચ્છીએ છીએ જેમાં અમને ભારતીય બજારમાં મુકત પ્રવેશ મળે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર પર કામ ચાલી રહ્યું છે, જેના હેઠળ અમેરિકાને ભારતીય બજારોમાં વધુ પ્રવેશ મળશે. ટ્રમ્પે આ ટિપ્પણી ઇન્ડોનેશિયા સાથેના તાજેતરના વેપાર કરારના સંદર્ભમાં કરી હતી. ટ્રમ્પે કહ્યું, અમે ઇન્ડોનેશિયા સાથે એક કરાર કર્યો છે. હું તેમના રાષ્ટ્રપતિને મળ્યો. તેઓ એક મહાન નેતા છે. અમે એક કરાર કર્યો જેમાં અમને ઇન્ડોનેશિયા સુધી સંપૂર્ણ પહોંચ મળી. ત્યાં કોપર ખૂબ જ મજબૂત ક્ષેત્ર છે અને હવે અમને કોઈપણ ટેરિફ વિના દરેક વસ્તુની ઍક્સેસ મળશે. તમને જણાવી દઈએ કે આ કરાર હેઠળ, અમેરિકા ઇન્ડોનેશિયાથી આયાત થતી વસ્તુઓ પર ફક્ત 19% ટેરિફ લાદશે, જે પહેલા કરતા ઘણી ઓછી છે.
દરમિયાન, અમેરિકી પ્રમુખે ફાર્માસ્યુટિકલ્સ પર 200 ટકા સુધી ટેરીફનો સંકેત આપતા 1 ઓગસ્ટથી તેનો અમલ કરવા જઇ રહ્યાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આ મહીનાના અંતે અમે ઓછા ટેરીફથી શરૂઆત કરીશું. ફાર્મા કંપનીઓને દેશમાં ઉત્પાદન માટે એક વર્ષનો સમય આપીશું એ પછી ટેરીફ ખુબ ઉંચા લઇ જશું.