ચીન સાથે સરહદી વિવાદ મામલે રાજકીય ગોળગોળ જવાબ નહીં, સીધી વાત કરો
ભારતમાં મીડિયાનો એક વર્ગ બહુ ચુસ્ત રીતે પત્રકારત્વના સિદ્ધાંતો અને નૈતિકતાને વળગી રહ્યો છે, પણ મોટા ભાગનું મીડિયા પૂર્વગ્રહયુક્ત રીતે વર્તે છે. સત્તાધારી પક્ષના નેતાઓનાં વાહિયાત ને બકવાસ નિવેદનો પર કે વર્તન પર ઢાંકપિછોડો કરવો ને વિપક્ષના નેતાઓની વાતોમાં કાગનો વાઘ કરી નાખવો કે તેમને તોડી-મરોડીને વિકૃત રીતે રજૂ કરવી એ ધીરે ધીરે ભારતના બહુમતી મીડિયાની લાક્ષણિકતા બનતી જાય છે. મીડિયાના આ કૌશલ્યનું તાજું ઉદાહરણ રાહુલ ગાંધીએ ચીનની ભારતમાં ઘૂસણખોરી અંગે કરેલું નિવેદન છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આપણા આર્મી ચીફે કહ્યું છે કે ચીને ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે. રાહુલ ગાંધીના નિવેદનને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ખોટું ગણાવીને રદિયો આપ્યો હતો.
ટીવી ચેનલો અને વેબસાઈટ્સે ચલાવ્યું કે, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રાહુલ ગાંધીને ઈન્ડિયન આર્મીને રાજકારણમાં ખેંચવા બદલ ઠપકાર્યા છે અને સલાહ આપી છે કે, ઈન્ડિયન આર્મીને રાજકારણમાં ન ખેંચવી જોઈએ. આપણા આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ખરેખર રાહુલ ગાંધીને ઠપકો આપ્યો છે? બિલકુલ નહીં.
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જે જવાબ આપ્યો છે તેમાં સૌથી પહેલાં તો રાહુલ ગાંધીનું નામ તેમણે નથી લીધું. સવાલ કરનારે રાહુલ ગાંધીનો ઉલ્લેખ વિપક્ષના નેતા તરીકે કર્યો છે, પણ જનરલ દ્વિવેદીએ વિપક્ષના નેતા કે રાહુલ ગાંધી એવો ઉલ્લેખ કરવાનું પણ ટાળ્યું છે. બીજું એ કે, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ભારતીય વિસ્તારોમાં ચીને ઘૂસણખોરી નથી કરી એવું સ્પષ્ટ રીતે કહ્યું નથી.
રાહુલે જનરલ દ્વિવેદીના જે વાક્યને ટાંક્યું એ પણ જાણી લઈએ. ગયા મહિને એક પ્રેસ કોન્ફરન્સમાં, જનરલ દ્વિવેદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હજુ પણ ઘર્ષણ છે અને બંને પક્ષોએ બેસીને પરિસ્થિતિને કેવી રીતે શાંત કરવી અને વિશ્વાસ પુન:સ્થાપિત કરવો તે અંગે વ્યાપક સમજણ સ્થાપિત કરવાની જરૂૂર છે. મોદી સરકાર ચીન સાથેની સરહદે કોઈ સમસ્યા નથી એવી રેકર્ડ વગાડ્યા કરે છે ત્યારે જનરલ દ્વિવેદીએ બિલકુલ અલગ વાત કરી હતી. તેના કારણે બબાલ થઈ.