આતંકવાદ સામે બેવડી નીતિને કોઈ સ્થાન નહીં: મોદી
યુ.કે.માં પાક. ઉપર પ્રહાર; આર્થિક અપરાધીઓના પ્રત્યાર્પણ મામલે સંકલન ચાલુ રાખવા જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે પાકિસ્તાન પર આડકતરી રીતે નિશાન સાધ્યું અને કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં ‘બેવડા ધોરણો’ માટે દુનિયામાં કોઈ સ્થાન નથી. વડા પ્રધાને લંડનમાં તેમના બ્રિટિશ સમકક્ષ કીર સ્ટારમર સાથે મીડિયાને સંબોધન કરતી વખતે આ ટિપ્પણી કરી. PM મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરવા બદલ બ્રિટનનો આભાર માન્યો અને કહ્યું કે બંને પક્ષો એકમત છે કે આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી.
પીએમ મોદીએ કહ્યું, અમે એ વાત પર પણ સંમત છીએ કે આતંકવાદી વિચારધારા ધરાવતી શક્તિઓને લોકશાહી સ્વતંત્રતાઓનો દુરુપયોગ કરવાની મંજૂરી આપી શકાતી નથી. મોદીએ કહ્યું કે બંને દેશોની સુરક્ષા એજન્સીઓ આર્થિક અપરાધીઓના પ્રત્યાર્પણ જેવા મુદ્દાઓ પર સહયોગ અને સંકલન કરવાનું ચાલુ રાખશે.
મોદીએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની એકંદર પરિસ્થિતિ પર પણ વાત કરી.
તેમણે કહ્યું, અમે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા, યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર વિચારો શેર કરી રહ્યા છીએ. તેમણે ભાર મૂક્યો કે બધા દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જરૂૂરી છે. તેમણે કહ્યું કે આજના યુગની માંગ વિસ્તરણવાદ નહીં પણ વિકાસવાદછે. મોદીએ ગયા મહિને અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઘણા બ્રિટિશ નાગરિકોના મોત પર પણ શોક વ્યક્ત કર્યો હતો.
મુક્ત વેપાર કરાર અંગે મોદીએ કહ્યું કે તે બ્રિટિશ બજારમાં ભારતના કૃષિ ઉત્પાદનો અને પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગ માટે નવી તકો ઊભી કરશે અને ખાસ કરીને ભારતના યુવાનો, ખેડૂતો, માછીમારો અને MSME ક્ષેત્ર માટે ફાયદાકારક રહેશે. તેમણે કહ્યું કે ભારતીય કાપડ ઉદ્યોગ, ફૂટવેર, રત્નો અને ઝવેરાત, સીફૂડ અને એન્જિનિયરિંગ માલને યુકેમાં વધુ સારી બજાર પહોંચ મળશે. લંડનથી આજે વડાપ્રધાન મોદી માલદિવ્ઝ જવા રવાના થયા હતાં. ત્યાં માલદિવ્ઝની 60મી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં પી.એમ.મોદી હાજરી આપનાર છે.
અનુવાદમાં ટ્રાન્સલેટર ગૂંચવાઈ: મોદીએ કહ્યું, કંઈ વાંધો નહીં
બ્રિટનના પ્રવાસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સમકક્ષ કીર સ્ટાર્મર સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન સ્ટાર્મરના ભાષણનું હિન્દીમાં અનુવાદ કરી રહેલી ટ્રાન્સલેટર થોડીક ક્ષણ માટે અનુવાદ કરવામાં અટવાઈ ગઈ હતી. ટ્રાન્સલેટરે અંગ્રેજી શબ્દનો ઉપયોગ કર્યા બાદ થોડી દેર અટકી અને પછી માફી માગી. વડાપ્રધાને તેના પર સ્મિત કરતાં જવાબ આપ્યો કે કોઈ વાત નહીં, આપણે વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. ચિંતા ન કરશો. આ ટિપ્પણી પર ત્યાં હાજર લોકો હસવા લાગ્યાં. પીએમ મોદીની આ વાત પર બ્રિટિશ પીએમ પણ હસતાં દેખાયા અને તેમણે કહ્યું કે મને લાગે છે કે આપણે એકબીજાને સારી રીતે સમજીએ છીએ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઇ રહ્યો છે. દરમિયાન પીએમ મોદીએ આતંકવાદ અંગે વાત કરતાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કર્યો અને ખાલિસ્તાની સમૂહ તથા પશ્ચિમી દેશોને કડક મેસેજ આપ્યો.