કાયદાથી ઉપર કોઈ નથી, બરાક ઓબામાની ધરપકડનો AI વીડિયો ટ્રમ્પે પોસ્ટ કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને FBI એજન્ટો દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે. આ AI-નિર્મિત વીડિયોમાં ઓબામા કેદીના કપડામાં દેખાય છે. ટ્રમ્પે આ વીડિયોની પ્રામાણિકતા અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી, જેના કારણે ટીકાકારોએ તેને બેજવાબદાર ગણાવ્યા છે.
જોકે, આ વીડિયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી બનાવવામાં આવ્યો છે. વીડિયોની શરૂૂઆતમાં, ઓબામા કહેતા દેખાય છે, રાષ્ટ્રપતિ કાયદાથી ઉપર નથી. આ પછી, ઘણા અમેરિકન નેતાઓના નિવેદનો કહેતા જોવા મળે છે - કોઈ પણ કાયદાથી ઉપર નથી.વીડિયોમાં બે એજન્ટો ઓબામાને હાથકડી પહેરાવતા દેખાય છે અને ડોનાલ્ડ ટ્રમ્પ નજીકમાં બેઠેલા હસતા જોવા મળે છે. વીડિયોના અંતે, ઓબામા જેલમાં કેદીના ગણવેશમાં દેખાય છે. ટ્રમ્પે આ વીડિયો સાથે સ્પષ્ટતા કરી નથી કે આ વીડિયો નકલી છે. ઘણા લોકોએ ટ્રમ્પને કોઈપણ સ્પષ્ટતા વિના આ વીડિયો પોસ્ટ કરતા ગંભીર રીતે બેજવાબદાર ગણાવ્યા છે. આ વીડિયો એવા સમયે આવ્યો છે જ્યારે ટ્રમ્પે તાજેતરમાં ઓબામા પર ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.
થોડા દિવસો પહેલા, યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર (DNI) તુલસી ગેબાર્ડે દાવો કર્યો હતો કે તેમની પાસે પુરાવા છે જે દર્શાવે છે કે 2016 માં ઓબામા વહીવટીતંત્રના કેટલાક લોકોએ ટ્રમ્પ અને રશિયા વચ્ચે ખોટી કાવતરાની વાર્તા બનાવી હતી. ગેબાર્ડે કહ્યું કે, આ પ્રયાસ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનતા અટકાવવા માટે કરવામાં આવ્યો હતો અને તે અમેરિકન લોકશાહી વિરુદ્ધ કાવતરું હતું. તેમણે કહ્યું, હવે અમેરિકનો સત્ય જાણશે કે ગુપ્તચર એજન્સીઓનો કેવી રીતે દુરુપયોગ થયો.