નસરૂલ્લાહના ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનને પણ ઈઝરાયલે ઠાર માર્યો
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે કહ્યું કે અમે હસન નસરુલ્લાહની સ્થાને બનેલા હિઝબુલ્લાહના નવા અધ્યક્ષને પણ મારી નાખ્યો છે. તેમણે નસરુલ્લાહના ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનની હત્યાની પણ પુષ્ટી કરી હતી. નેતન્યાહુએ કહ્યું કે અમે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહની કમર તોડી નાખી છે. તેના હજારો આતંકવાદીઓ માર્યા ગયા છે.
નેતન્યાહુએ લેબનાનના લોકોને પણ અપીલ કરી છે કે તેઓ હિઝબુલ્લાહનો શિકાર બનીને પોતાનું ભવિષ્ય બગાડે નહીં અને તેનાથી છૂટકારો મેળવે. આ પહેલા ઈઝરાયલના રક્ષા મંત્રી યોઆવ ગૈલેંટે કહ્યું હતું કે એવું લાગે છે કે નસરુલ્લાહના ઉત્તરાધિકારી સફીદ્દીન પણ માર્યો ગયો છે. ગયા સપ્તાહના અંતમાં ઇઝરાયલના હવાઈ હુમલા પછી સફીદ્દીનને જાહેરમાં જોવા મળ્યો નથી.
દરમિયાન ઇઝરાયલની સેનાએ મંગળવારે દાવો કર્યો હતો કે તેણે બેરૂૂતમાં થયેલા હુમલામાં હિઝબુલ્લાહ હેડક્વાર્ટરના વરિષ્ઠ કમાન્ડર સુહેલ હુસૈનીને મારી નાખ્યો છે. હુસૈની આતંકવાદી જૂથના લોજિસ્ટિક્સ, બજેટ અને મેનેજમેન્ટની દેખરેખ રાખતો હતો. હિઝબુલ્લાહ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી. ઈઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે હુસૈની ઈરાનથી અદ્યતન હથિયારોના ટ્રાન્સફર અને આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના વિવિધ એકમોને તેના વિતરણમાં સામેલ હતો.
સેનાએ લેબનીઝ લોકોને બીચથી દૂર રહેવાની સલાહ આપી છે. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે એક કલાકની અંદર દક્ષિણ લેબનાનમાં 120થી વધુ હિઝબુલ્લાહ સ્થળોને ટાર્ગેટ કર્યા છે. લેબનાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 10ના મોત થયા છે. હવાઈ હુમલાની સાથે ઇઝરાયલની સેના દક્ષિણ લેબેનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ સામે જમીની કાર્યવાહી પણ કરી રહી છે. ઇઝરાયલી સેનાની ચોથી ડિવિઝનને દક્ષિણ લેબનાનમાં તૈનાત કરવામાં આવી છે.