ઇંગ્લેન્ડના જો રૂટે રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 5 હજાર રન બનાવ્યા
પાકિસ્તાન સાથેની ટેસ્ટ દરમિયાન સિધ્ધિ મેળવી
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂૂટે રનોનો પહાડ ઊભો કરી દીધો છે. પાકિસ્તાન સામે રમાય રહેલી ટેસ્ટ સિરીઝ દરમિયાન તેણે એક એવો કીર્તિમાન રચ્યો છે જે અત્યાર સુધીમાં કોઈ બેટ્સમેન કરી શક્યો નહોતો. ઇંગ્લેન્ડના સ્ટાર જો રૂૂટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 5 હજાર રન બનાવનાર પહેલો બેટ્સમેન બની ગયો છે.
મુલ્તાનમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ દરમિયાન જો રૂૂટે મોટી સિદ્ધિ મેળવી છે. ટેસ્ટ ક્રિકેટમાં સતત રન બનાવી રહેલા આ બેટ્સમેનના નામે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 5 હજારથી વધુ રન થઈ ચૂક્યા છે. ટૂર્નામેન્ટમાં 59મી મેચ રમી રહેલા આ બેટ્સમેને અત્યાર સુધીમાં 16 સદી અને 20 અડધી સદી ફટકારી છે. મુલ્તાન ટેસ્ટની પહેલી ઇનિંગમાં બીજા દિવસે જો રૂૂટ 32 રન બનાવીને અણનમ રહ્યો છે. તેની પાસે ટીમને વધુ એક સદીની આશા હશે.
જો રૂૂટે 59 ટેસ્ટ મેચની 107મી ઇનિંગમાં 5000 રનનો આંકડો પાર કર્યો. 51.59ની સરેરાશથી બેટિંગ કરતા 16 સદી અને 20 અડધી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન લિસ્ટમાં બીજા નંબરે છે. તેણે 45 મેચ રમીને 11 સદી અને 19 અડધી સદી સાથે 3904 રન બનાવ્યાં છે. ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ છે, જેણે 3486 રન બનાવ્યાં છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ 3101 રનની સાથે ચોથા જ્યારે પાકિસ્તાનના બાબર આઝમ 2755 રન બનાવીને પાંચમાં નંબરે છે.