3 થી 6 એપ્રિલ દરમિયાન મોદી થાઇલેન્ડ, શ્રીલંકાની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસનો નવો કાર્યક્રમ બહાર આવ્યો છે. આ અંતર્ગત પીએમ મોદી 3 થી 6 એપ્રિલ સુધી વિદેશ પ્રવાસે જશે. આ દરમિયાન પીએમ મોદી થાઈલેન્ડ અને શ્રીલંકાની મુલાકાત લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને થાઈલેન્ડ અને શ્રીલંકાની મુલાકાત લેશે. આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મોદી પહેલા થાઈલેન્ડ અને પછી શ્રીલંકા જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી થાઈલેન્ડના વડાપ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાના આમંત્રણ પર 4 એપ્રિલ, 2025ના રોજ આયોજિત થનારી છઠ્ઠી BIMSTEC સમિટમાં ભાગ લેશે. આ માટે મોદી 3 થી 4 એપ્રિલ સુધી બેંગકોક જશે. આ સમિટનું આયોજન થાઈલેન્ડ દ્વારા કરવામાં આવશે, જે વર્તમાન BIMSTEC અધ્યક્ષ છે. વડાપ્રધાનની થાઈલેન્ડની આ ત્રીજી મુલાકાત હશે. આ પછી પીએમ મોદી કોલંબો જવા રવાના થશે. પ્રધાનમંત્રી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકાના આમંત્રણ પર 4 થી 6 એપ્રિલ 2025 દરમિયાન શ્રીલંકાની સરકારી મુલાકાતે જશે.
2015 પછી વડાપ્રધાન મોદીની આ ટાપુ રાષ્ટ્રની ચોથી મુલાકાત હશે.આ પહેલા પીએમ મોદી 2015, 2017 અને 2019માં શ્રીલંકાની મુલાકાતે ગયા હતા.આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને શ્રીલંકા વચ્ચે માછીમારોની ધરપકડનો મુદ્દો ગરમ છે. આ કારણે બંને દેશો વચ્ચે તણાવ છે.