મોદી આતંકવાદી, ઇસ્લામના દુશ્મન: માલદીવ્સના રાષ્ટ્રપતિના સાળાની પોસ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 જુલાઈના રોજ માલદીવ્સની મુલાકાતે જશે. આ પહેલાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના સાળા અને સલાફી જમિયતના નેતા અબ્દુલ્લા બિન મોહમ્મદ ઇબ્રાહિમે પીએમ મોદીને આતંકવાદી ગણાવ્યા હતા અને તેમના પર બાબરી મસ્જિદ તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે વિવાદ વધુ વધ્યો ત્યારે આ સોશિયલ મીડિયા પોસ્ટ ડિલિટ કરી દેવામાં આવી. માલદીવ્સ સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.
અબ્દુલ્લાએ એકસ પર એક પોસ્ટમાં લખ્યું હતું- મોદી ઇસ્લામના સૌથી મોટા દુશ્મન છે, તેઓ આતંકવાદી છે. તેમણે બાબરી મસ્જિદ તોડી પાડી છે, જૂની મુસ્લિમ જમીનો લૂંટી લીધી છે અને અમદાવાદને કબ્રસ્તાનમાં ફેરવી દીધું છે. માલદીવ્સ માટે તેમને આમંત્રણ આપવું એ એક મોટી ભૂલ છે.
પીએમ મોદી 25 જુલાઈએ માલદીવ્સ પહોંચશે. 26 જુલાઈએ તેઓ ત્યાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે. આ દરમિયાન તેઓ દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. મોદીની માલદીવ્સની આ ત્રીજી મુલાકાત હશે, જે વેપાર, દરિયાઈ સુરક્ષા અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સહયોગને મજબૂત બનાવશે.