મણિપુર, જમ્મુ-કાશ્મીર જોખમી, અમેરિકાની ટ્રાવેલ એડવાઇઝરી
આતંકવાદ અને જાતીય આધારિત સંઘર્ષનું કારણ આપ્યું
અમેરિકાએ તેના નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં તેમને મણિપુર, જમ્મુ-કાશ્મીર અને ભારતના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં જવાની મનાઇ કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે તેણે ભારતના પૂર્વોત્તર રાજ્યોની જાણકારીને સામેલ કરતા તેની ‘ટ્રાવેલ એડવાઇઝરી’ અપડેટ કરી છે. આ મુજબ ભારતને લેવલ 2 પર રાખવામાં આવ્યું છે અને જમ્મુ-કાશ્મીર, મણિપુર, ભારત-પાકિસ્તાન સરહદ અને મધ્ય-પૂર્વ ભારતના કેટલાક ભાગોને લેવલ 4 પર રાખવામાં આવ્યા છે. અમેરિકાએ ભારત જનારા પ્રવાસીઓને કહ્યું છે કે ભારતના કેટલાક વિસ્તારોમાં ગુના અને આતંકવાદને કારણે જોખમ વધારે છે.
જાતીય આધારિત નાગરિક સંઘર્ષને કારણે વ્યાપક હિંસા અને સમુદાયના વિસ્થાપનના અહેવાલો છે. તેથી, આવા સ્થળોની મુલાકાત લેતી વખતે વધુ સાવચેત રહો.
ટ્રાવેલ એડવાઈઝરીમાં અમેરિકાએ કહ્યું હતું કે ભારતીય સત્તાવાળાઓના અહેવાલ મુજબ, બળાત્કાર એ ભારતમાં સૌથી ઝડપથી વધી રહેલા ગુનાઓમાંનો એક છે. પર્યટન સ્થળો અને અન્ય સ્થળોએ જાતીય હુમલો જેવા હિંસક ગુનાઓ બન્યા છે. આતંકવાદીઓ હુમલો કરી શકે છે. તેઓ પ્રવાસી સ્થળો, પરિવહન કેન્દ્રો, બજારો, શોપિંગ મોલ્સ અને સરકારી સુવિધાઓને લક્ષ્ય બનાવે છે.
સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે અમેરિકી સરકાર પાસે ગ્રામીણ વિસ્તારોમાં અમેરિકી નાગરિકોને ઈમરજન્સી સેવાઓ પૂરી પાડવાની મર્યાદિત ક્ષમતા છે. આ પ્રદેશ પૂર્વી મહારાષ્ટ્ર અને ઉત્તર તેલંગણાથી લઈને પશ્ચિમ પશ્ચિમ બંગાળ સુધી વિસ્તરેલો છે. એડવાઈઝરી જણાવે છે કે યુએસ સરકારી કર્મચારીઓએ આ વિસ્તારોમાં મુસાફરી કરવા માટે વિશેષ પરવાનગી મેળવવી પડશે.