લંડનમાં ભારતીય દૂતાવાસ સામે ખાલિસ્તાનીઓનો હંગામો
પ્રજાસત્તાક દિવસના અવસરે બ્રિટનની રાજધાની લંડનમાં ભારે હોબાળો થયો. અહેવાલ અનુસાર અહીં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત સમારોહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ખાલિસ્તાન સમર્થકો દેખાવ કરવા લાગ્યા હતા જેના પગલે ભારતીય સમુદાયના લોકોએ તેમને સજ્જડ જવાબ આપ્યો હતો.
ખાસ વાત એ છે કે કેનેડામાંથી પણ આવી જ તસવીરો સામે આવી ચૂકી છે. બ્રિટનમાં ઘણી જગ્યાએ ખાલિસ્તાન સમર્થકોએ બોલિવૂડ ફિલ્મ ઈમરજન્સીને લઈને પણ થિયેટરોમાં હોબાળો મચાવ્યો હતો. ભારતીય સમુદાયના એક વ્યક્તિએ કહ્યું, અમે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે અહીં હાઇ કમિશન ખાતે ભેગા થયા હતા. ત્યારે અમને જાણકારી મળી કે ખાલિસ્તાનીઓ કાર્યક્રમ સ્થળની બહાર ભેગા થયા છે અને દેખાવ કરી રહ્યા છે. ત્યારે અમે પણ એકજૂટ થયા અને તેમના દેખાવોનો જવાબ આપ્યો.
બીજા એક ભારતીય વ્યક્તિએ કહ્યું, અમે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતીય હાઈકમિશનમાં ધ્વજવંદન કાર્યક્રમ માટે એકઠા થયા હતા. ત્યારે ખાલિસ્તાનીઓ બહાર આવીને દેખાવો કરવા લાગ્યા. અમે તેમને રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા જોયા. હું તેમને કહેવા માંગુ છું કે તેમના આવા કૃત્યોથી ભારત દેશને ભારતીયોને કોઈને કોઈ ફરક પડતો નથી.
ભલે અમે લંડનમાં લઘુમતીમાં હોઈએ પણ અમારી હિંમત અને જુસ્સો તેમના કરતા વધારે છે અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું.. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને પક્ષો એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તે જ સમયે, પરિસ્થિતિને સંભાળવા માટે પોલીસ પણ સ્થળ પર હાજર હતી.