લંકામાં કપિરાજનું પરાક્રમ: દેશની બત્તી ગુલ કરી દીધી
9 ફેબ્રુઆરીએ શ્રીલંકામાં અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. આ પછી આખો દેશ અંધકારમાં ડૂબી ગયો હતો. લોકો ગરમીથી પરેશાન થઈ ગયા હતા, ઇન્ટરનેટ અને પાણી પુરવઠો પણ ઠપ્પ થઈ ગયો હતો. ગભરાયેલા લોકો વિચારવા લાગ્યા કે, હુમલો કે સાયબર એટેક તો નથી થયોને. પરંતુ વાસ્તવમાં આ બધું એક તોફાની વાંદરાને કારણે થયું હતું.
શ્રીલંકાના ઉર્જા મંત્રી કુમારા જયકોડીએ જણાવ્યું કે, કોલંબો નજીક એક વાંદરો ઈલેક્ટ્રીકલ સબસ્ટેશનમાં ઘુસી ગયો અને ગ્રીડ ટ્રાન્સફોર્મરને અથડાયો. આના કારણે સમગ્ર વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ અને શ્રીલંકા અંધકારમાં ડૂબી ગયું. એન્જિનિયરોએ તાત્કાલિક રિપેરિંગ કામ શરૂૂ કરી દીધું હતું, પરંતુ 3 કલાક પછી પણ વીજ પુરવઠો ચાલુ થઈ શક્યો ન હતો. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ મજા લીધી હતી. એક યુઝરે લખ્યું કે, શું આખા દેશમાં વીજળી ગઈ છે કે માત્ર મારા ઘરમાં? અન્ય એક મજાકમાં લખ્યું કે, હવે તો વાંદરાઓ પણ અમને પાઠ ભણાવી રહ્યા છે. ત્રીજાએ લખ્યું કે, આ વાંદરાની ધરપકડ કરો અને તેને વીજળીનું બિલ ચૂકવવા દો, અમે આ વખતે નહીં ચૂકવીએ.