ઝાકિર નાઈકને ભારત લાવવો આસાન નથી
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી પછી વિદેશમાં ભારતનો દબદબો વધ્યો હોવાની વાતો વચ્ચે મલેશિયાના વડા પ્રધાન અનવર ઈબ્રાહિમે ઝાકીર નાઈકને ભારતને સોપવાનો ફરી ઈન્કાર કરી દીધો. નરેન્દ્ર મોદી હમણાં અનવર ઈબ્રાહિમને મળ્યા ત્યારે આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે કટ્ટરવાદી મુસ્લિમ ઉપદેશક ઝાકિર નાઈકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો હતો પણ અનવર ઈબ્રાહિમે વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી. અનવરે સાફ શબ્દોમાં કહ્યું કે, ઝાકિર નાઈકે મલેશિયામાં ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ કંઈપણ કહ્યું નથી અને જ્યાં સુધી ઝાકિર નાઈક સમસ્યાઓ ઊભી નહીં કરે અથવા સુરક્ષા માટે ખતરો નહીં આપે ત્યાં લગી અમારા માટે ઝાકિરને સોંપવાનો સવાલ જ પેદા થતો નથી.
અનવરે એવી ગોળી પણ ગળાવી કે, ઝાકિર નાઈકના પ્રત્યાર્પણ માટે ભારત મજબૂત પુરાવા આપે તો અમે તે અંગે વિચારીશું પણ હમણાં તો ઝાકિરને ભારતને સોંપવાનો સવાલ જ પેદા થતો નથી. મલેશિયાએ ઝાકિર નાઈક મામલે પહેલી વાર આપણને અટકાવ્યા નથી. આ પહેલાં 2018માં પણ મલેશિયાના વડા પ્રધાન મહાથિર મોહમ્મદે તડ ને ફડ કરીને કહી દીધેલું કે, ઝાકિર નાઈક મલેશિયામાં જ રહેશે ને તેને ભારત મોકલવાનો સવાલ જ પેદા થતો નથી. મહાથિરે સાફ શબ્દોમાં કહેલું કે, ઝાકિરે ભારતમાં જે કાંઈ કર્યું હોય. અમારે તેની સાથે કંઈ લેવાદેવા નથી. મહાથિરે આ વાત કરી તેનું કારણ મોદીભક્ત મીડિયાએ ચલાવેલું તૂત હતું. આક્રમક અને ધર્માંધતાથી ભરેલાં પ્રવચનો માટે કુખ્યાત વિવાદાસ્પદ મુસ્લિમ પ્રવચનકાર ઝાકીર નાઈક સામે ભારતમાં પ્રતિબંધ મૂકાયો પછી એ મલેશિયા ભાગી ગયેલો.
મોદી સરકારે 2016ની શરૂૂઆતમાં ઝાકિર નાઈકની સંસ્થા ઈસ્લામિક રીસર્ચ ફાઉન્ડેશન( આઈઆરએફ) પર પણ ધ અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ પાંચ વર્ષનો પ્રતિબંધ ઠોકી દીધો હતો. ઝાકિર સામે આતંકવાદી પ્રવૃત્તિને લગતા બીજા પણ કેસો નોંધાયેલા પણ આ કેસો ચલાવી શકાય એ પહેલાં તો ઝાકિર રફુચક્કર થઈ ગયેલો. આપણા માટે શરમજનક વાત એ છે કે, બાંગ્લાદેશમાં ઝાકિર નાઈકની ચેનલ પાછી ચાલુ થઈ ગઈ છે. મતલબ કે, ભારત અને હિંદુઓ સામે ઝેર ઓકવાનો કાર્યક્રમ પાછો પુરજોશમાં ચાલુ થઈ ગયો છે.
શેખ હસીનાને કારણે બાંગ્લાદેશમાં ઝાકિરની ચેનલ પર પ્રતિબંધ મુકાવવામાં આપણે સફળ રહેલા પણ હસીના ભાગ્યાં એ સાથે જ પાછું એ તૂત શરૂૂ થઈ ગયું છે ને તેને રોકવાની આપણી તાકાત નથી. શેખ હસીનાના દબાણને કારણ મોદી સરકારે ઝાકિર સામે આકરા થવું પડેલું, બાકી મોદી સરકાર તો હાથ પર હાથ મૂકીને બેઠી હતી. ઝાકિર નાઈક પીસ ટીવી પર ઈસ્લામનો પ્રચાર કરવાના બહાને ઝેર ઓકતો હતો. ઝાકિર બહુ સફાઈથી સીધી રીતે આતંકવાદને પોષતો હોય કે લોકોને ભડકાવતો હોય તેવું કશું બોલતો નહીં પણ સરકારે ધાર્યું હોત તો એ વખતે પણ તેને આંટીમાં લઈ શકાયો હોત પણ ત્યારે કશું ના કર્યું.