ઇઝરાયલનો બદલો; હમાસના વડા-હિઝબુલ્લાનો ટોપ કમાન્ડર ઠાર
ઇરાનમાં રાષ્ટ્રપતિના શપથમાંથી પરત ફરતા હમાસના વડા હનીયેનું ઘર ઉડાવી દીધું, લેબેનોનમાં હિઝબુલ્લાનાં ફઉદ શુકરનો પણ ઢાળિયો
દુશ્મનને કોઇ પણ દેશમાં જઇ ખતમ કરવાની પરંપરા જાળવી રાખતા ઇઝરાયલે ઇરાનમાં જઇ હમાસના સુપ્રીમ કમાન્ડર ઇસ્માઇલ હનીયેને ઘરમાં જઇ ઠાર માર્યા છે. જયારે અન્ય બનાવમાં લેબનોનની રાજધાની બેરૂત પર હુમલો કરી હિઝબુલ્લાહના કમાન્ડર ફઉદ શુકરને પણ મોતને ઘાટ ઉતાર્યો હતો. પેલેસ્ટાઈનમાં કાર્યરત આતંકવાદી સંગઠન હમાસના સર્વોચ્ચ કમાન્ડર ઈસ્માઈલ હનીયે માર્યા ગયા છે.
મંગળવારે ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઈરાનમાં તેમની હત્યા થઈ હતી. ઈરાનના આર્મી રિવોલ્યુશનરી ગાર્ડ્સ તરફથી એક નિવેદન જારી કરીને આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. હમાસે એમ પણ કહ્યું છે કે ઈસ્માઈલ માર્યો ગયો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે પેલેસ્ટાઈન અને આરબ દેશના લોકોને ખૂબ જ દુખ સાથે જણાવવા માંગીએ છીએ કે હમાસની રાજકીય પાંખના નેતા ઈસ્માઈલ હવે નથી રહ્યા. ઇઝરાયેલ દ્વારા તેહરાનમાં તેના ઠેકાણા પર તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાંથી પરત ફર્યા હતા.
સમાચાર છે કે ઈસ્માઈલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હુમલામાં તેમના કેટલાક સુરક્ષાકર્મીઓને પણ ગોળી વાગી હતી. ઈસ્માઈલ હનીયે ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા તેહરાન પહોંચ્યા હતા. આ સાથે જ હમાસે દાવો કર્યો છે કે ઈઝરાયેલે ઈસ્માઈલના ઠેકાણા પર હવાઈ હુમલો પણ કર્યો હતો. હમાસે ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 1200 ઇઝરાયલી માર્યા ગયા હતા. આ સિવાય 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યારથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
ગયા અઠવાડિયે શનિવારે ઇઝરાયલના કબજા હેઠળના ગોલાન હાઇટ્સ પર થયેલા હુમલા બાદ ખાડી ક્ષેત્રમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. ઈઝરાયલે આ માટે લેબનોનના ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહને જવાબદાર ઠેરવ્યું હતું અને તેને પાઠ ભણાવવાની વાત પણ કરી હતી. હવે ઇઝરાયલે દાવો કર્યો છે કે લેબનોનની રાજધાની બેરૂૂત પર હુમલો કરી હિઝબુલ્લાહ કમાન્ડરો પૈકી એકને ઠાર મારવામાં આવ્યો હતો.
ઇઝરાયલી સેનાએ દ્વારા મંગળવારે રાજધાની બેરૂૂતમાં ઉગ્રવાદી હિઝબુલ્લાહ કમાન્ડર ફઉદ શુકર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તે માર્યો ગયો છે. આ સાથે હુમલો પૂર્ણ થયો છે અને યુદ્ધ શરૂૂ કરવાની અમારી કોઇ ઇચ્છા નથી. ફઉદ શુકર વિશે માહિતી આપનારને અમેરિકાએ 5 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું. જોકે, લેબનીઝ સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે હિઝબુલ્લાહ કમાન્ડરની હાલત વિશે હજુ કંઈ કહી શકાય નહીં.
કમાન્ડર શુકર લાંબા સમયથી હિઝબુલ સાથે સંકળાયેલો છે. તે ઉગ્રવાદી જૂથના સેક્રેટરી જનરલ હસન નસરલ્લાહના મિલિટ્રી એડવાઇઝર હતો.
ઈઝરાયલની સેનાએ કમાન્ડર ફઉદ શુકર વિશે દાવો કર્યો હતો કે તે ગોલાન હાઈટ્સ પર હુમલા માટે જવાબદાર હતો. શનિવારે ગોલાન હાઇટ્સમાં ફૂટબોલ મેદાન પર થયેલા રોકેટ હુમલામાં 12 બાળકો અને કિશોરોના મોત થયા હતા.