ઇઝરાયલ કોઇને ગાંઠતું નથી: યુએન માત્ર કાગનો વાઘ સાબિત થયું છે
ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા લગભગ છ મહિનાથી જંગ ચાલી રહ્યો છે ત્યારે છેવટે આ જંગ બંધ થશે કે નહીં એ ખબર નથી પણ તેના કારણે દુનિયાના બીજા દેશો અને ઈઝરાયલ સામસામે આવી જશે એવું ચોક્કસ લાગી રહ્યું છે. ઈઝરાયલે યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના યુદ્ધવિરામના ઠરાવને ફગાવી દેતાં યુનાઈટેડ નેશન્સના મહત્ત્વ સામે પણ સવાલ ઊભો થઈ ગયો છે. ઈઝરાયલે યુનાઈટેડ નેશન્સને જ સીધો પડકાર ફેંકી દીધો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. મુસ્લિમો માટે પવિત્ર મનાતા રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને ગાઝામાં તાત્કાલિક સીઝફાયર કરવા માટે સોમવારે યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં મૂકાયેલા ઠરાવના સમર્થનમાં 15માંથી 14 દેશોના મત પડ્યા જ્યારે અમેરિકા મતદાનથી દૂર રહેતાં આ ઠરાવ પસાર થઈ ગયો. આ ઠરાવમા હમાસ દ્વારા બાનમાં લેવામાં આવેલા તમામ લોકોને કોઈ શરત વિના તાત્કાલિક મુક્ત કરવા અને ગાઝાને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટેના તમામ અવરોધોને દૂર કરવા કહેવામાં આવ્યું છે. યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (ઞગજઈ)એ યુદ્ધવિરામનો ઠરાવ પસાર કરતાં છેવટે યુદ્ધ રોકાય એવા અણસાર લાગી રહ્યા હતા પણ ઈઝરાયલે તેનો અસલ મિજાજ બતાવીને તડ ને ફડ કરીને કહી દીધું છે કે, તમારાથી થાય એ તોડી લો પણ યુદ્ધ તો નહીં જ રોકાય.
યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં આ યુદ્ધને રોકવા માટે પહેલી વાર ઠરાવ માલ્ટાએ નવેમ્બર 2023માં રજૂ કરેલો જ્યારે બીજી વખત ડિસેમ્બર 2023માં યુએઈએ ઠરાવ મૂકેલો ત્રીજી વખત ફેબ્રુઆરી 2024માં ઉત્તર આફ્રિકન દેશ અલ્જેરિયાએ યુદ્ધવિરામનો ઠરાવ મૂકેલો પણ અમેરિકાએ તેને ત્રણેય વખત વીટો વાપરીને ઠરાવ પસાર નહોતો થવા દીધો. રમઝાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સીઝફાયર માટે સોમવારે મૂકાયેલા ઠરાવ પર મતદાનથી અમેરિકા દૂર રહ્યું તેમાં ઠરાવ પસાર થઈ ગયો. યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના ઠરાવને આંતરરાષ્ટ્રીય સ્તરે કરાતું એક પ્રકારનું ફરમાન ગણવામાં આવે છે અને યુનાઈટેડ નેશન્સના સભ્ય દેશોએ તેનું પાલન કરવું જરૂૂરી છે. ઇઝરાયલ યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનું કાયમી સભ્ય નથી પણ. યુનાઈટેડ નેશન્સમાં સભ્ય છે તેથી એ પણ આ ઠરાવને માનવા બંધાયેલું છે પણ ઈઝરાયલે ધરાર ઈન્કાર કરી દીધો છે તેથી યુનાઈટેડ નેશન્સ સલવાઈ ગયું છે કેમ કે યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના ઠરાવનો અમલ કરાવવાની તેની પાસે સત્તા નથી ને ઈઝરાયલ પ્રેમથી માને તેમ નથી તેથી બીજો કોઈ કોઈ રસ્તો નથી.