ISI હવે ઢાકામાં: ભારત વિરોધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનતું બાંગ્લાદેશ
શેખ હસીના ઢાકા છોડતાની સાથે જ બાંગ્લાદેશ ભારત વિરોધી ગતિવિધિઓનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યાં પહેલા હિંદુઓ પર અત્યાચાર કરવામાં આવ્યો. આ પછી મોહમ્મદ યુનુસે પણ પાકિસ્તાનને ગળે લગાવ્યું છે. તાજેતરમાં તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મળ્યા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે તેણે ઢાકામાં ભારતના દુશ્મન ISIનું પણ સ્વાગત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે લગભગ એક દાયકા બાદ ISIની ટીમ ઢાકા પહોંચી છે. આ પહેલા બાંગ્લાદેશ આર્મ્ડ ફોર્સના પ્રિન્સિપલ સ્ટાફ ઓફિસર લેફ્ટનન્ટ જનરલ કમર-ઉલ-હસન પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઢાકા પહોંચેલી ISIની ટીમમાં મેજર જનરલ શાહિદ આમિર અફસર પણ સામેલ છે. તેઓ ચીનમાં પાકિસ્તાનના મિલિટરી ડિપ્લોમેટ રહી ચૂક્યા છે. તેની સાથે બે બ્રિગેડિયર આલમ આમિર અવાન અને મુહમ્મદ ઉસ્માન ઝતીફ પણ ઢાકા પ્રવાસ પર છે.
આ પહેલા આઈએસઆઈ ચીફ જનરલ મુહમ્મદ અસીમ મલિક પણ બાંગ્લાદેશની મુલાકાતે આવે તેવી શક્યતાઓ હતી. જો કે તે આ ટીમમાં સામેલ નથી. તમને જણાવી દઈએ કે આ પ્રતિનિધિમંડળ 24 જાન્યુઆરી સુધી બાંગ્લાદેશમાં રહેશે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે અનેક પ્રકારની વાતચીત થવાની સંભાવના છે. એવા અહેવાલો છે કે બંને દેશો ગુપ્ત માહિતી શેર કરવા પર વિચાર કરી શકે છે. તે જ સમયે, બાંગ્લાદેશની વચગાળાની સરકારે મંગળવારે કહ્યું હતું કે તે ભારતમાંથી હકાલપટ્ટી કરાયેલા વડા પ્રધાન શેખ હસીનાને પરત લાવવાના પ્રયાસો ચાલુ રાખશે અને જો જરૂૂર પડશે તો આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની પણ માંગ કરશે.
વિદેશ મંત્રી જયશંકરે અમેરિકા સમક્ષ બાંગ્લાદેશનો મુદ્દો ઉઠાવ્યો
હાલ અમેરિકાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના અમેરિકી સમકક્ષ સાથે બાંગ્લાદેશની સ્થિતિની ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમા હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર અત્યાચાર બાબતે અમેરિકા અગાઉ ચિંતા વ્યકત કરી ચુકયુ છે. શેખ હસીનાના પતન બાદ બાંગ્લાદેશમા રચાયેલી મોહંમદ યુનુશની વચગાળાની સરકારના ટુંકાગાળામા રાજકીય વિરોધીઓ અને લઘુમતીઓ પર અત્યાચાર અને હિંસાના બનાવોથી ભારતની જેમ અમેરિકા પણ વિરોધ દર્શાવી ચુકયુ છે. વિદેશ મંત્રી જયશંકરે અમેરિકા સમક્ષ કઇ બાબતે વાતચીત કરી તેની વધુ વિગતો આપી નહોતી. પરંતુ માનવામા આવે છે કે બંને દેશો સંયુકત પણે બાંગ્લાદેશ પર રાજકીય અને આંતરરાષ્ટ્રીય દબાણ લાવવા વિચારી રહયા છે.