ઇરાનમાં જાસૂસો સામે તાબડતોબ કાર્યવાહી: 3ને ફાંસી, 700ની ધરપકડ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભલે સીઝફાયર થયુ હોય પણ તણાવ ઓછો થયો નથી. ઈરાને આજે સવારે ત્રણ લોકોને ઈઝરાયલ માટે જાસૂસી કરવા અને હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં ફાંસીની સજા ફટકારી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈદરીસ અલી, આઝાદ શોજાઈ અને રસૂલ અહમદ રસૂલને હત્યાના ષડયંત્રમાં જરૂૂરી હથિયારો ઈરાનમાં લાવવાનો પ્રયાસ કરવા બદલ સજા ફટકારવામાં આવી છે. આ મામલે તેમની વિરૂૂદ્ધ કેસ થયો હતો. આજે સવારે ઉરમિયા શહેરમાં તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી.
ઈરાને છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ઈઝરાયલ સાથે સંબંધ હોવાના આરોપમાં આશરે 700 લોકોની ધરપકડ કરી છે. આ માહિતી ઈરાનની સ્થાનિક મીડિયા એજન્સીએ આપી હતી. આ તમામ પર ઈઝરાયલની ઈન્ટેલિજન્સ એજન્સી મોસાદ સાથે સંબંધ, ગુપ્ત જાણકારી આપવા બદલ, સૈન્ય મથકોને નિશાન બનાવવામાં મદદ કરવાનો આરોપ મૂકાયો છે. તમામની પૂછપરછ થઈ રહી છે. તેમને પણ ફાંસીની સજા ફટકારવામાં આવી શકે છે. ઈરાને ઈઝરાયલ માટે કામ કરનારાઓને પકડવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે.