ભારતે પાક. લશ્કરી વડા મુનિરના લવારાની નહીં અમેરિકી પીઠબળની ચિંતા કરવી પડે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂરમાં ભારતના લશ્કરે પાકિસ્તાનનાં કેટલાં ફાઈટર જેટ તોડી પાડયાં એ મુદ્દે ચાલી રહેલા વાયુદ્ધ વચ્ચે પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીરે ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. ગંભીર બાબત એ છે કે, મુનીરે અમેરિકાની ધરતી પરથી આ ધમકી આપી છે છતાં અમેરિકા સાવ ચૂપ છે. આસીમ મુનીરે પાકિસ્તાની ઉદ્યોગપતિ અદનાન અસદે ટામ્પાની ગ્રાન્ડ હયાત હોટેલમાં યોજાયેલા ડિનરમાં પાકિસ્તાની મૂળના અમેરિકામાં રહેતા 120 સભ્યોની હાજરીમાં આ ધમકી આપી છે.
અસીમ મુનીરે ધમકી આપી છે કે, ભારત સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય નહીં બદલે તો 10 મિસાઇલોથી હુમલો કરીને પતાવી દઈશું. મુનેરના કહેવા પ્રમાણે, સિંધુ જળ સંધિ મુલતવી રાખવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં 25 કરોડ લોકો ભૂખમરાનો ભોગ બની શકે છે. પણ ભારતે એ ના ભૂલવું જોઈએ કે, પાકિસ્તાન પરમાણુ શસ્ત્રોથી સજજ રાષ્ટ્ર છે. પાકિસ્તાનને લાગશે કે, આપણે ડૂબી રહ્યા છીએ તો ભારત પણ નહીં બચે અને આપણે અડધી દુનિયાને આપણી સાથે લઈને ડૂબીશું. મુનીરે ભારતને ચમકતી મર્સિડીઝ ગણાવીને પાકિસ્તાનની સરખામણી રેતીથી ભરેલા ડમ્પર ટ્રક સાથે કરીને સવાલ પણ કર્યો કે, ડમ્પર મર્સિડીઝ કાર સાથે અથડાય તો નુકસાન કોને થશે? મુનીરે પોતના બદઈરાદામાં બાંગ્લાદેશનો પણ સાથ હોવાનું ચિત્ર ઊભું કરવા એવો દાવો પણ કર્યો કે, પાકિસ્તાન ભારતના પૂર્વથી શરૂૂઆત કરશે કેમ કે પૂર્વ ભારતમાં ભારત પાસે કિંમતી સ્રોત છે, પૂર્વને ખેદાનમેદાન કર્યા પછી પાકિસ્તાન પશ્ચિમ તરફ આગળ વધશે.
મુનીરે બીજા ઘણા લવારા કર્યા છે ને એ બધાની વાત કરવાનો મતલબ નથી પણ મુનીર અમેરિકાની ધરતી પરથી ભારતને ધમકી આપે અને અમેરિકા ચૂપચાપ તમાશો જોયા કરે તેનો અર્થ શું થાય ? એ જ કે પાકિસ્તાનના આ બદઈરાદાઓને અમેરિકાનું સમર્થન છે. ભારતે મુનીરની ધમકીનો જવાબ આપ્યો પણ અમેરિકાએ મુનિરને માપમાં રહેવાની શીખ સુધ્ધા નથી આપી તેના પરથી સ્પષ્ટ છે કે, અમેરિકા પાકિસ્તાનને ચાવી માર્યા કરે છે તેમાં મુનીર ચગ્યા છે. અમેરિકા મુનીરને કેમ ચાવી મારી રહ્યું છે એ કહેવાની જરૂૂર નથી. પાકિસ્તાન-અમેરિકાની આ મોહબ્બત ભારત સામે સારી -નિશાની નથી. અમેરિકા પાસે રાક્ષસી તાકાત છે અને દુનિયાભરમાં ફેલાયેલું જાસૂસી નેટવર્ક છે. એક ઈશારે કંઈ -પણ કરવા તૈયાર પ્યાદાં પણ છે તેથી ભારતે એક નવા જંગ -માટે તૈયાર રહેવું પડશે.