ઐતિહાસિક 29 મેડલ સાથે ભારતનું પેરિસ અભિયાન સમાપ્ત
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. ભારતીય ટીમે કુલ 29 મેડલ જીતીને ટોક્યોનો રેકોર્ડ તોડ્યો હતો. ત્રણ વર્ષ પહેલા ભારતે 19 મેડલ જીત્યા હતા. હવે દેશે પેરા ગેમ્સના ઈતિહાસમાં સૌથી વધુ મેડલ જીત્યા છે. જેમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
આ પેરાલિમ્પિક્સ દરેક રીતે ભારત માટે અત્યાર સુધીની શ્રેષ્ઠ પેરાલિમ્પિક્સ સાબિત થઈ છે. અવની લેખાથી શરૂૂ થયેલી વાર્તાનો અંત નવદીપ સિંહના ગોલ્ડ સાથે થયો. પેરિસ પેરાલિમ્પિક્સમાં 84 પેરા એથ્લેટ્સે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
પેરિસ પેરાલિમ્પિક્સ ભારત માટે સૌથી સફળ પેરાલિમ્પિક્સ સાબિત થઈ છે. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 આ પહેલા ભારતની સૌથી સફળ પેરાલિમ્પિક્સ રહી હતી. તેમાં ભારતે 54 એથ્લેટ મોકલ્યા હતા અને 19 મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. જેમાં પાંચ ગોલ્ડ, આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતે પોતાનો 20મો મેડલ જીતતાની સાથે જ ટોક્યો પેરાલિમ્પિક્સનો રેકોર્ડ તોડી નાખ્યો. આ ઉપરાંત સાત ગોલ્ડ જીતીને ભારતે ટોક્યોનો પાંચ ગોલ્ડનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ટોક્યો 2020માં ભારતનો રેન્ક 24 હતો, જે અત્યાર સુધીનો શ્રેષ્ઠ રેન્ક છે. આ વખતે દેશ 29 મેડલ સાથે 19મા સ્થાને છે. આ ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હશે.