31મીએ તિયાનજિનમાં ભારત-ચીન-રશિયાની ત્રિશુલ-શક્તિનું પ્રદર્શન
શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સંમેલનમાં ટ્રમ્પની ટેરિફ દાદાગીરી સામે સંયુક્ત અવાજ ઉઠશે: યુએનના મહામંત્રી પણ હાજર રહેશે
પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 20 દેશોના નેતાઓ સાથે ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભેગા થશે. સમિટમાં, SCO ના સભ્ય દેશો એક સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરી શકે છે જેમાં અમેરિકાની ટેરિફ નીતિનો જવાબ આપી શકાય છે. ચીનના રાજદૂતે પીએમ મોદીની મુલાકાતને SCO અને ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધો માટે મહત્વપૂર્ણ ગણાવી છે.
અમેરિકાએ તાજેતરમાં ભારત પર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદવા મામલે ટ્રમ્પે લીધેલું આ પગલું આવતીકાલે અમલી બની રહ્યું છે. દરમિયાન, વિશ્વના 20 દેશોના નેતાઓ એક મંચ પર ભેગા થશે. જેમાં પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વગેરેનો સમાવેશ થાય છે.
ચીનના તિયાનજિનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમિયાન આ બધા એક સાથે રહેશે. આ દિગ્ગજો ભેગા થયા પછી ટ્રમ્પની ઊંઘ ઉડી જશે તે સ્વાભાવિક છે. ચીનના સહાયક વિદેશ પ્રધાન લિયુ બિનએ જણાવ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને અન્ય દેશોના ઘણા દિગ્ગજો SCO બેઠકમાં ભાગ લેશે. આ કાર્યક્રમ ચીનના તિયાનજિન શહેરમાં યોજાશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને નવ અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ પણ આ બે દિવસીય સમિટમાં ભાગ લેશે. હાજર રહેનારા વૈશ્ર્વિક નેતાઓમાં ઇરાનના રાષ્ટ્રપતિ, પાક.ના નાયબ વડાપ્રધાન, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોેેગન ઉપરાંત મલેશીયાનાં પીએમ અનવર ઇબ્રાહીમનો સમાવેશ થાય છે.
SCO સમિટનું આયોજન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કરી રહ્યા છે. આ સમિટ દરમિયાન, SCOના તમામ દેશો સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરી શકે છે. આ ઉપરાંત, બધા સભ્ય દેશો SCO વિકાસ વ્યૂહરચનાને મંજૂરી આપશે, સુરક્ષા અને આર્થિક સહયોગને મજબૂત બનાવવાના પગલાં પર પણ ચર્ચા કરશે. એવું માનવામાં આવે છે કે આ ઘોષણામાં અમેરિકાની ટેરિફ નીતિનો યોગ્ય જવાબ આપી શકાય છે.
પીએમ મોદીની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ છે: ચીન
ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઇહોંગે ગુરુવારે કહ્યું હતું કે આ મહિનાના અંતમાં યોજાનારી SCO સમિટ માટે મોદીની ચીન મુલાકાત બંને દેશો વચ્ચેના સમિટ અને દ્વિપક્ષીય સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઇહોંગે કહ્યું હતું કે ચીન મોદીની આ મુલાકાતને ખૂબ મહત્વ આપે છે. તેમણે કહ્યું કે પીએમની ચીન મુલાકાત માત્ર SCO માટે જ નહીં પરંતુ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના બનવાની છે. ચીન અને ભારતનું એક કાર્યકારી જૂથ આ મુલાકાતને સફળ બનાવવા માટે તૈયારી કરી રહ્યું છે.