ભારત ટેરિફમાં ઘટાડો કરવા સહમત: ટ્રમ્પનો દાવો
તા.2 એપ્રિલથી નવા ટેરિફ અમલી બને તે પહેલાં ભારતે કાઢ્યો વચલો રસ્તો: વિદેશ મંત્રાલયનો પણ સત્તાવાર સ્વીકાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત સાથેના વેપાર સંબંધોને લઈને એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે દાવો કર્યો છે કે, ભારત સરકારે અમેરિકી ઉત્પાદનો પર લાદવામાં આવેલા ઊંચા ટેરિફને ઘટાડવા માટે સંમતિ દર્શાવી છે. વોશિંગ્ટન ડીસીમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારતે અમેરિકી માલ પર ખૂબ જ ઊંચા ટેરિફ લગાવ્યા છે, જેના કારણે ભારતમાં કોઈપણ ચીજવસ્તુનું વેચાણ કરવું અઘરું બની જાય છે. પરંતુ હવે તેઓ સંમત થયા છે અને તેમના ટેરિફ ઘટાડવા તૈયાર છે, કારણ કે હવે કોઈક એવું છે જે તેમની નીતિઓને ઉજાગર કરી રહ્યું છે.
ટ્રમ્પે આ પહેલાં પણ જાહેર કર્યું હતું કે, 2 એપ્રિલ, 2025થી એવા દેશો સામે જવાબી ટેરિફ લાદવામાં આવશે જે અમેરિકી ઉત્પાદનો પર ઊંચા ટેરિફ લગાવે છે. આ નિવેદનના જવાબમાં, ભારત સરકારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે બંને દેશો વચ્ચે વેપારને સરળ બનાવવા માટે સક્રિયપણે કામ ચાલી રહ્યું છે. ભારતે જણાવ્યું કે ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને દૂર કરવા માટે એક વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર પર ઝડપથી કામ થઈ રહ્યું છે. આ કરારનો હેતુ ટ્રમ્પ વહીવટીતંત્રના ટેરિફ પગલાંઓની અસરને ઘટાડવાનો છે, સાથે જ બંને દેશોની સપ્લાય ચેઇનને એકીકૃત કરવાની શક્યતાઓ પણ શોધવામાં આવી રહી છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે વધુ માહિતી આપતાં કહ્યું, અમે ઇઝઅ દ્વારા ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને મજબૂત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
આ કરારથી માલ અને સેવાઓના વેપારને પ્રોત્સાહન મળશે, બજારની પહોંચ વધશે, ટેરિફ તેમજ નોન-ટેરિફ અવરોધોમાં ઘટાડો થશે અને બંને દેશો વચ્ચે સપ્લાય ચેઇનનું એકીકરણ વધુ ગાઢ બનશે. આ નિવેદન દર્શાવે છે કે ભારત આ મુદ્દે ગંભીર છે અને અમેરિકા સાથેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.
વેપાર નિષ્ણાતોનું માનવું છે કે ભારત અને અમેરિકા વચ્ચેનો પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર બંને દેશો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને, ભારતના શ્રમ-સઘન ક્ષેત્રો જેમ કે ચામડું, કાપડ અને ઝવેરાતની નિકાસમાં વધારો થવાની શક્યતા છે, કારણ કે આ ક્ષેત્રોમાં આયાત ટેરિફમાં રાહત મળવાની આશા છે. આનાથી ભારતીય ઉત્પાદકોને અમેરિકી બજારમાં વધુ સારી તકો મળશે. બીજી તરફ, નિષ્ણાતોનું એમ પણ કહેવું છે કે અમેરિકા ભારત પાસેથી કેટલાક ચોક્કસ ક્ષેત્રોમાં ટેરિફ ઘટાડવાની અપેક્ષા રાખી શકે છે. આમાં પેટ્રોકેમિકલ ઉત્પાદનો, ઇલેક્ટ્રોનિક્સ, તબીબી ઉપકરણો તેમજ બદામ અને ક્રેનબેરી જેવી કૃષિ ચીજવસ્તુઓનો સમાવેશ થઈ શકે છે. જોકે, સફરજન અને સોયા જેવી કેટલીક કૃષિ વસ્તુઓ પર ટેરિફ ઘટાડવું ભારત માટે પડકારજનક હોઈ શકે છે, કારણ કે આ ક્ષેત્રો સ્થાનિક ખેડૂતો માટે સંવેદનશીલ છે.
વ્હાઇટ હાઉસમાં બખેડા ચાલુ! ટ્રમ્પની હાજરીમાં મસ્ક-વિદેશમંત્રી વચ્ચે બબાલ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે બોલાચાલીનો મામલો હજુ શાંત થયો નથી ત્યાં હવે વ્હાઇટ હાઉસ ખાતે ઉચ્ચ સ્તરીય કેબિનેટ બેઠક દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ટ્રમ્પના અબજોપતિ સલાહકાર ઈલોન મસ્ક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઇ હતી. આ ઘટનાને કારણે ટ્રમ્પ વહીવટીતંત્રમાં ઊંડા સ્તરે ફેલાઈ ગયેલા મતભેદો ખુલ્લા પાડ્યા. આ ઝઘડો ત્યારે થયો જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના મંત્રીમંડળ સાથે બેઠક કરી રહ્યા હતા. આખરે તેમણે પોતે જ દરમિયાનગીરી કરવી પડી અને પછી મામલો થાળે પાડ્યો હતો.આ તણાવની સ્થિતિ ઘણા અઠવાડિયાથી જોવા મળી રહી હતી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં મસ્ક અને વિદેશમંત્રી વચ્ચે ઉગ્ર દલીલ થતાં અચાનક મામલો વધી ગયો હતો. હકીકતમાં, મસ્ક સરકારી ખર્ચમાં મોટા પાયે કાપ મૂકવાના પ્રબળ સમર્થક રહ્યા છે અને તેમણે રુબિયો પર તેમના વિભાગમાં પૂરતી છટણી ન કરવાનો આરોપ લગાવ્યો હતો.